જતા જતાયે ટ્રમ્પની અવળચંડાઈ, ન્યૂક્લિયર કોડ સાથે લઈ ગયા, છેલ્લી ઘડીએ કંઈક કરવાની ફિરાકમાં?

January 20, 2021

અમેરિકાના પ્રમુખ (US President) ની સાથે હંમેશાં દેશના પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons)ને કમાન્ડ આપતી ચાવી રહે છે. ન્યુક્લિયર ફૂટબોલ (Nuclear Football) તરીકે ઓળખાતી આ બેગ અમેરિકાના પ્રમુખ સાથે હંમેશાં રહે છે. પ્રમુખ ગમે ત્યારે ન્યુક્લિયર ફૂટબોલનો ઉપયોગ કરીને પરમાણુ હુમલા (Nuclear Attack)નો આદેશ આપી શકે છે.

 


સામાન્ય રીતે સત્તાના હસ્તાંતરણ સમયે વિદાય લઇ રહેલા પ્રમુખ તેમના અનુગામીને ન્યુક્લિયર ફૂટબોલ સોંપતા હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ જટિલ બની છે. વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમના અનુગામી જો બાઇડેન (Joe Biden)ના શપથ સમારોહ અને સત્તાનાં હસ્તાંતરણમાં હાજર રહેવાના નથી. ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારોહ પહેલાં જ ફ્લોરિડા (Florida)જવા રવાના થઇ ગયા છે. તેમની સાથે ન્યુક્લિયર ફૂટબોલ પણ લઇ જવામાં આવ્યો છે. બાઇડેનના શપથ સુધીમાં ટ્રમ્પ ફ્લોરિડા પહોંચી પણ ગયા હશે. હવે બાઇડેનને ન્યુક્લિયર ફૂટબોલની સોંપણી માટે અધિકારીઓને અલગ વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે.

સુરક્ષા નિષ્ણાત સ્ટીફન સ્વાર્ટ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકામાં એક સાથે ૩ થી ૪ ન્યુક્લિયર ફૂટબોલ હંમેશાં તૈયાર રહે છે. એક પ્રેસિડેન્ટ પાસે, બીજો વાઇસ પ્રેસિડેન્ટ પાસે અને ત્રીજો ફૂટબોલ ઇમર્જન્સી માટે નિયુક્ત કરાયેલ અધિકારી પાસે રહે છે. ન્યુક્લિયર ફૂટબોલના ઉપયોગ માટે અમેરિકી પ્રમુખ પાસે એક પ્લાસ્ટિક કાર્ડ હોય છે જેને બિસ્કિટ તરીકે ઓળખવામાં આવે છે. બાઇડેન શપથ ન લે ત્યાં સુધી પરમાણુ હુમલાનો આદેશ આપવાનો અધિકાર ટ્રમ્પ પાસે રહે છે.


જોકે ટ્રમ્પ રવાના થઇ જતાં હવે અમેરિકાના સુરક્ષા અધિકારીઓ બાઇડેનના શપથની સાથે જ ટ્રમ્પ પાસે રહેલા ન્યુક્લિયર ફૂટબોલના કમાન્ડ બદલી નાખશે. જેના પગલે તે ડિએક્ટિવેટ થઇ જશે.