કોંગ્રેસને ઝટકો, સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ ભાજપમાં સામેલ

November 24, 2021

લખનઉઃ ઉત્તર પ્રદેશ 2022 વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે તમામ આશંકાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. સાયબરેલીની સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલયમાં કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહની સાથે આઝમગઢ જિલ્લાની સગડી વિધાનસભા સીટથી બસપા ધારાસભ્ય વંદના સિંહને પણ ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું છે. આ તકે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત બાજપેયી સહિત તમામ ભાજપના નેતા હાજર રહ્યા હતા. 


આ બંને ધારાસભ્યોને ભાજપમાં સામેલ કર્યા બાદ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ- બે લોકપ્રિય ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. એક અખિલેશ યાદવ અને ડિમ્પલને ટક્કર આપવા માટે અને એક સોનિયા-પ્રિયંકાને ટક્કર આપવા માટે. બંને દલિત અને શોષિત લોકો વચ્ચે કામ કરે છે. 


અદિતિ સિંહના ભાજપમાં સામેલ થવાના કારણે હવે તેમના ધારાસભ્ય પતિ અંગદ સિંહ સૈનીને મોટુ નુકસાન થઈ શકે છે. અંગદ પંજાબની નવાંશહર સીટથી કોંગ્રેસ ધારાસભ્ય છે. મહત્વનું છે કે રાયબરેલી જ્યાંથી અદિતિ સિંહ આવે છે તે રાયબરેલી સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ સીટથી લોકસભા ચૂંટણી સતત જીતી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસ સાથે બળવો કરી ભાજપમાં જવું અદિતિના પતિ અંગદને અસહજ સ્થિતિમાં મુકી શકે છે. અદિતિએ 21 નવેમ્બર 2019ના પંજાબના કોંગ્રેસ ધારાસભ્ય અંગદ સિંહ સૈની સાથે લગ્ન કર્યા હતા.