ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના વિજેતાને રુપિયા ૧૨ કરોડ ઈનામમાં મળશે

October 11, 2021

દુબઈ: દુબઈમાં યોજાનારા આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના વિજેતાને અંદાજે રૃપિયા ૧૨ કરોડ (૧૬ લાખ ડોલર) રોકડ ઈનામ તરીકેે આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને આશરે ૬ કરોડ રૃપિયા એનાયત થશે. આઇસીસીએ જાહેરાત કરી છે કે, આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ અંદાજે રૃપિયા ૪૨ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ટી-૨૦ વર્લ્ડ કપ તારીખ ૧૭ ઓક્ટોબરથી લઈને ૧૪ નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાશે. સેમિ ફાઈનલમાં હારનારી બે ટીમોને ૩-૩ કરોડ રૃપિયા અપાશે. આઇસીસીના સુપર ૧૨માં અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા તેમજ વિન્ડિઝની ટીમ નિશ્ચિત છે. જ્યારે બાકીની ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ પાર કરીને જોડાશે. સેમિ ફાઈનલમાં ન પ્રવેશી શકનારી આઠ ટીમોને આશરે ૫૩-૫૩ લાખ રૃપિયા મળશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાનારી ટીમને અંદાજે ૩૦-૩૦ લાખ રૃપિયા મળશે. આઇસીસી આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં સૌપ્રથમ વખત ડિઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)નો અમલ કરવા જઈ રહ્યું છે. બંને ટીમોને પ્રત્યેક ઈનિંગમાં બે ડિઆરએસ મળશે. અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે ડિઆરએસનો સફળ ઉપયોગ થઈ ચૂક્યો છે અને હવે ટી-૨૦ વર્લ્ડ કપમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં ડ્રિક્સ બ્રેકને અઢી-અઢી મિનિટના કરવામાં આવ્યા છે. જેના કારણે મેચમાં પાંચ મિનિટનો સમય વધી જશે.