હિંસાની આશંકાને લીધે શ્રીનગરમાં બે દિવસનો કર્ફ્યૂ, આવતીકાલે 370મી કલમની વરસી

August 04, 2020

શ્રીનગર : જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કર્યાની પહેલી વરસીએ આવતી કાલે પાંચમી ઑગષ્ટે કદાચ હિંસક દેખાવો થાય એવી આશંકા પરથી શ્રીનગરમાં આજથી બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો અને માર્ગો તેમજ શ્રીનગર બજાર સીલ કરી દેવામાં આવ્યાં હતાં.

આવતી કાલે અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન પણ થવાનું છે. આ પ્રસંગે પાકિસ્તાને જમ્મુ કશ્મીરમાં અટકચાળું કરવાની યોજના બનાવી હોવાની બાતમી ભારતીય લશ્કરને અને ગુપ્તચર દળને મળી હતી.  એટલે અગમચેતીના પગલા રૂપે શ્રીનગરમાં બે દિવસનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. આમ તો કોરોનાના ચેપને પગલે સોમવારેજ કશ્મીર ખીણ વિસ્તારમાં પાંચમી ઑગષ્ટ સુધી નવેસર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

શ્રીનગરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શાહિદ ચૌધરીએ કહ્યું હતું કે જમ્મુ કશ્મીરના ભાગલાવાદી અને પાકિસ્તાન તરફી જૂથો અશાંતિ સર્જવાના પ્રયાસો કરશે એવી બાતમી પોલીસને મળી હતી એટલે શ્રીનગરમાં અગમચેતીના પગલા રૂપે કર્ફ્યૂ લાદવાનો નિર્ણય વહીવટી તંત્રે કર્યો હતો. સમસ્ત કશ્મીર ખીણ વિસ્તારમાં જીવન આવશ્યક સેવાઓ અને ઇમર્જન્સી સેવાઓ સિવાય તમામ આવાગમન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તમામ માર્ગો તથા બજાર સીલ કરી દેવામાં આવ્યા હતા.

આ પહેલાં પણ ગુપ્તચર ખાતાને બાતમી મળી હતી કે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ કરવાની પહેલી વરસીએ પાકિસ્તાન તરફી જૂથો અને આતંકવાદી ટોળીઓ જમ્મુ કશ્મીરમાં હિંસક હુમલો કરવાની પેરવી કરી રહ્યાં હતાં.

એક અહેવાલ મુજબ આતંકવાદીઓ પુલવામા જેવો કોઇ મોટો હુમલો કરવાની વેતરણમાં હતા. એટલે અગમચેતીનાં પગલા રૂપે વહીવટી તંત્રે આ નિર્ણય રવિવારે જ લઇ લીધો હતો. માત્ર એેનો અમલ આજથી એટલે કે ચોથી ઑગષ્ટથી કરવામાં આવ્યો હતો. આજે અને આવતી કાલે બે દિવસ શ્રીનગરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.