મેઘાલયમાં સીએએ મુદ્દે હિંસામાં બેનાં મોત, કરફ્યુ

March 01, 2020

શિલોંગ : મેઘાલયમાં હિંસાની ઘટના સામે આવી છે. સીએએ કાયદાને લઇને કેએસયુ અને બિન આદિવાસી સંગઠન વચ્ચે બેઠક યોજાઇ હતી જે બાદમાં વિવાદોમાં સપડાઇ હતી, આ બેઠક બાદ હિંસામાં બે વ્યક્તિના  મોત નિપજતા મામલો વધુ બિચક્યો હતો. 

સીએએ ઉપરાંત ઇનર લાઇન પરમિટ (આઇએલપી) અંગે પણ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઇને ચર્ચા થઇ હતી. આ દરમિયાન હિંસામાં એક વ્યક્તિના મોત બાદ શુક્રવારે રાતે જ અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો. જોકે શનિવારે સવારે સ્થિતિને કન્ટ્રોલમાં લઇ લેવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સાથે છ લોકોની ધરપકડ કરાઇ છે.  

શિલોંગ ટાઉનમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ કાબુમાં લઇ લેવામાં આવી છે. ખાસી સ્ટૂડન્ટ યુનિયન (કેએસયુ)ના સભ્યો અને બિન આદિવાસી સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારત બાંગ્લાદેશ સરહદે આવેલા ઇસ્ટ ખાસી હિલ્સ વિસ્તારમા યોજાઇ હતી.

આશરે છ જિલ્લામાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો, સાથે જ આ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યપાલે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.  મેઘાલયના ગૃહ પ્રધાને ઘટનાને વખોડી હતી અને સાથે જણાવ્યું હતું કે આ હિંસા અંગે મેજિસ્ટેરિયલ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.