ગિરના બે સિંહ છેક રાજકોટ પહોંચ્યા આજી ડેમ નજીકની વાડીમાં મારણ કર્યું

January 10, 2021

રાજકોટઃ રાજકોટ જિલ્લાની હદમાં વડાળી, ત્રંબા, ભાયાસર, રાજપરા, પડવલાની સીમમાં એક માસથી વધુ સમયથી પડાવ નાખીને રહેતા ત્રણ સિંહો પૈકી બે સિંહ મધરાત્રે રાજકોટની હદમાં આજીડેમ ચોકડી નજીક જ આવેલી માલધારીની વાડીમાં આવી ચડયા હતા. આ સિંહોએ એક ગાયનું ઢસરડીને મારણ કર્યું હતું. જેની જાણકારી મળતા માલધારીઓ તેમજ ફોરેસ્ટની ટીમ પહોંચી ગઈ હતી. દેકારો થતાં બંને સિંહો મારણ છોડીને કાળીપાટની વીડ તરફ નીકળી ગયા હતા. આજીડેમ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર નજીક કાળુભાઈ બીજલભાઈ મુંઘવાની વાડીમાં પશુઓનો વાડો છે. વાડીમાં પાછળના ભાગે ઢોરવાડામાં ગાયો પુરી હતી આગળના ભાગે એક ગાય બહાર હતી તેને બંને સિંહ ઢસરડીને લઈ ગયા અને શિકાર કર્યો હતો. ગાયોએ ભાંભરડા નાખતા માલધારી પરિવારો અવાજ થતા જાગી ગયા હતા.
કેટલાક માણસોએ ટોર્ચ લગાવીને મોબાઈલમાં વીડિયો શુટીંગ કર્યું હતું. અવાજ થતા બંને સિંહો મારણને છોડીને ત્યાંથી નીકળી ગયા હતા. સિંહો તો ચાલ્યા ગયા પરંતુ માલધારીઓ, વાડીધારકોમાં તેમજ નજીકમાં રહેલી માનવીય વસાહતમાં પણ ડર પેશી ગયો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી.