પોરબંદરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટીવ, રાજકોટમાં ક્વોરેન્ટાઇન થયેલા લોકોના ઘરે મુકાશે ચોકી પહેરો

April 01, 2020

રાજકોટ-  રાજકોટમાં સતત બીજા દિવસે સાંજ સુધી કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી તો બીજી તરફ પોરબંદરમાં એક યુવાન અને એક યુવતીને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું જાહેર થયું છે જેના પગલે તંત્ર વધુ સતર્ક કરાયું છે. આ ઉપરાંત વાંકાનેરના એક વૃદ્ધ દર્દીનું કોરોનાની શંકાથી મૃત્યુ નીપજ્યાનું કહેવાતું હતું પરંતુ તેનો રિપોર્ટ પણ નેગેટીવ આવવાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ કોરોના નો ફફડાટ યથાવત છે.
રાજકોટમાં વિદેશથી આવેલા 300થી વધુ લોકો તેમજ કોરાનાનો ચેપ લાગ્યો હોય તેવી શંકાવાળા લોકોને આરોગ્યતંત્ર દ્વારા કોરોનાનો ચેપ પ્રસરે નહિ તે માટે ઘરમાં જ હલનચલન કર્યા વગર કે બહાર ગયા વગર રહેવા માટે જણાવવામાં આવે છે પરંતુ છતાં કેટલાક લોકો બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠતા અને કોરોના પ્રસરવાની શક્યતાને લઇ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે આવા દરેક લોકોના ઘરે બહાર મનપાના સિક્યુરિટી ગાર્ડ તેનાત કરવાનું નિર્ણય લેવાયો છે.