જૂનાગઢમાં કેફી પીણું પીધા બાદ મિનિટોમાં જ બે રીક્ષા ચાલકના મોત

November 29, 2022

જૂનાગઢમાં મોડી રાત્રે ગાંધી ચોક વિસ્તારમાં કોઇપણ શંકાસ્પદ પીણું પીધા બાદ ગણતરીની મિનિટોમાં જ બે રીક્ષા ચાલકના મોત નિપજયાની ઘટના સામે આવતા સિવિલ હોસ્પિટલમાં ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો દોડી ગયો હતો.

જૂનાગઢના ગાંધી ચોક વિસ્તારમાં સાંજ ઢળ્યા પછી એક રીક્ષા ચાલકે પોતાની જ રીક્ષામાં પ્લાસ્ટિકની એક બોટલમાંથી લાલ કલરનું પીણું ગ્લાસમાં ભરીને પીધાંની ગણતરીની મિનિટોમાં જ ઢળી જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન તે ગ્લાસમાંથી બીજા એક રીક્ષા ચાલક પણ ઘૂંટડો ભર્યો અને તે પણ ઢળી પડતા તેને પણ સિવિલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

મૃતકમાં એક 45 વર્ષના રફીક ઘોઘારી અને બીજો જોન નામનો યુવાન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જિલ્લા પોલીસ વડાને જાણ થતા ડીવાયએસપી હિતેશ ધાધલિયા, પી.આઇ., પી.એસ.આઇ. સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. સમાજના યુવકના મોતના પગલે મુસ્લિમ સમાજના આગેવાનો, કોર્પોરેટર, પરિજનો સહિતના લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હાલ તો આ મામલે બંને યુવકોના મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જૂનાગઢમાં ઝેરી પ્રવાહી પી જતા બે વ્યક્તિના શંકાસ્પદ મોત મામલે જૂનાગઢ પોલીસવડાએ ખુલાસો કર્યો છે બંને શખ્સો ના મોત પોઈઝન એટલે કે ઝેર ને કારણે થયા હોવાનું ખુલવા પામ્યું છે.