સુરતની બે વિદ્યાર્થિનીઓએ પૃથ્વીથી નજીકનો એસ્ટ્રોઇડ શોધી કાઢયો

July 29, 2020

સુરતઃ સુરતની અનેક બાળપ્રતિભાઓએ વિવિધ ક્ષેત્રમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિઓ મેળવીને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. જેમાં હવે સુરતની બે વિદ્યાર્થિનીઓએ પૃથ્વીથી નજીક આવેલો અને ભવિષ્યમાં પૃથ્વી માટે જોખમી નીવડી શકે એવો એસ્ટ્રોઇડ શોધીને ઐતિહાસિક ખગોળિય સિદ્ધિ મેળવી છે. અબ્રામાં સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં સીબીએસઇ વિભાગમાં ધોરણ-૧૦મા ભણતી વૈદેહી વેકરિયા અને રાધિકા લખાણીએ એચએલવી-૨૫૧૪ નામનો શુદ્રગ્રહ એટલે કે એસ્ટ્રોઇડ શોધીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના હાંસલ કરી દીધી છે. માત્ર ૧૪ વર્ષની વય ધરાવતી વૈદેહી વેકરિયા અને રાધિકા લખાણીએ સ્પેસ એઆઇએએસસી (ઓલ ઇન્ડિયા એસ્ટ્રોઇલ સર્ચ કેમ્પેઇન)માં ભાગ કરીને કોરોનાકાળ દરમિયાન ઘરે બેસીને એક નવા એસ્ટ્રોઇડ એચએલવી-૨૫૧૪ની શોધ કરી છે. આ એસ્ટ્રોઇડ હાલમાં ચંદ્રની આસપાસ ફરી રહ્યો છે અને પૃથ્વીની નજીક છે. તેને એનઇઓ (નીઅર અર્થ ઓબ્જેક્ટ) તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોએ પણ આ વાતની પૃષ્ટિ કરી છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલેબ્રેશનના ડિરેક્ટર પેટ્રિક મિલેરે પણ આ વાતને અનુમોદન આપ્યું છે. આચાર્ય ત્રિશલા શાહે જણાવ્યું હતું કે, વૈદેહી અને રાધિકાની આ સિદ્ધિ સુરત માટે ગૌરવપૂર્ણ છે. બંને વિદ્યાર્થિનીએ ગત વર્ષે પણ સ્પેસ અભિયાનમાં ભાગ લીધો હતો. ચાલુ વર્ષે લોકડાઉન વચ્ચે જૂનમાં પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી હતી અને ડેટા એનાલિસિસને આધારે થોડા અઠવાડિયા પહેલાં રિપોર્ટ નાસાને મોકલાયો હતો. તેમના દ્ધારા ૨૩ જુલાઈના રોજ વાતની પૃષ્ટિ કરાઈ હતી. બન્ને વિદ્યાર્થિની પૈકી વૈદેહીને એસ્ટ્રોનોટ બનવાનું અને રાધિકાને બિઝનેસ વુમન બનવાની ખેવના છે.