ઉદ્ધવે હથિયાર હેઠાં મુક્યાં, રાજીનામું આપી વિધાનસભા વિસર્જનની ભલામણ કરવાના મૂડમાં

June 22, 2022

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બહુમતી ધારાસભ્યો પોતાની સાથે નહીં હોવાનો અહેવાસ થઈ ગયા બાદ રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવા રાજ્યપાલને ભલામણ કરવાનો નિર્ણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, ઉદ્ધવ સરકાર લઘુમતીમાં હોવાથી રાજ્યપાલ તેમની આ ભલામણ માનવા બંધાયેલા નથી. તેને બદલે રાજ્યપાલ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.  એક મહત્વના ઘટનાક્રમ રૂપે શિવસેનાના સંસદસભ્ય અને આઘાડી સરકારના આર્કિટેક્ટમાંના એક સંજય રાઉતે ટ્વિટર પર સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે સરકાર વિધાનસભા વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે. હાલની રાજકીય ઉથલપાથલ આપણને વિધાનસભા વિસર્જન તરફ દોરી જઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. 
બીજી તરફ, પર્યાવરણ પ્રધાન અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પોતાના ટ્વિટર બાયોમાંથી કેબિનેટ પ્રધાન હોવાનો ઉલ્લેખ હટાવી લઈ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેનો અર્થ એ કે ઠાકરે પરિવારે સત્તા બચાવવા કોઈપણ પ્રચાસ કરવાને બદલે ગાદી છોડી દેવાનો ફેંસલો કરી દીધો છે. હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોરોનાને કારણે હોસ્પિટલમાં છે. ગોવાના રાજ્યપાલ પાસે ચાર્જ છે. ઉદ્ધવ સરકાર રાજીનામું આપી દે તે પછી તે લઘુમતીમાં હોવાથી તેની ભલામણ બાંધવા રાજ્યપાલ બંધાયેલા નથી. તેઓ રાજ્યમાં નવી સરકાર રચવાના વિવિધ વિકલ્પો અજમાવી શકે છે. તેઓ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે. ભાજપ શિવસેનાના બળવાખોર શિંદે જૂથના ટેકા સાથેના પત્રો રજૂ કરી સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.