ઉદ્ધવનો ભાજપ પર પ્રહાર:દશેરા રેલીમાં કહ્યું- તરછોડેલા પ્રેમી જેવો વ્યવહાર કરી રહી છે ભાજપ

October 16, 2021

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ   વાર્ષિક દશેરાની રેલીમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિવસૈનિકોને સંબોધન કરતા ઠાકરેએ કહ્યું કે, ભાજપ માટે સત્તાની ભૂખ નશાના વ્યસન જેવી છે. હિંદુત્વને બહારના લોકોથી નહીં પરંતુ નવા હિન્દુતત્વવાદિઓથી જોખમ છે. તે ઉપરાંત એ લોકોથી જેઓ સત્તા મેળવવા માટે હિન્દુત્વ વિચારધારાનો ઉપયોગ કરે છે. આગામી સમયમાં તેઓ વહેંચો અને રાજ કરોની નીતિ અપનાવશે.

ઉદ્ધવે કહ્યું કે, ભાજપે હુમલો કરવો હોય તો સામેથી કરવો જોઈએ. ભાજપ મહારાષ્ટ્ર સાથે નકારવામાં આવેલા પ્રેમી જેવો વ્યવહાર કરે છે. ઉદ્ધવે વધુમાં જણાવ્યું કે, તમે પરિવા અને બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છો. આ મર્દાનગી નથી, આ અમાનવીય વર્તન છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અમે એવું થવા નહીં દઈએ.

ઉદ્ધવ ઠાકરેએ એનસીબી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આખી દુનિયામાંથી જાણે મારા મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો ધમધોકાર વેપાર ચાલતો હોય એવું બતાવવામાં આવી રહ્યું છે. હું તમને ફરી કહું છું કે, આપણી સંસ્કૃતિ છે કે, આપણે આંગણામાં તુલસી લગાવીએ છીએ, પરંતુ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, જાણે આપણે આંગણામાં ગાંજાના છોડ લગાવીએ છીએ. આવું જાણી જોઈને કેમ કરવામાં આવી રહ્યું છે? એવું નથી કે માત્ર મહારાષ્ટ્રમાં આવું થાય છે. બધા જાણે છે કે, મુંદ્રા એરપોર્ટ પર પણ કરોડોનું ડ્રેગ્સ મળ્યું છે. ક્યાં છે મુંદ્રા? ગુજરાત...સાચુ ને? એવું નથી કે અમારી પોલીસ કશું નથી કરતી. ઠાકરેએ એવું કહ્યું કે, તમે અહીં ચપટી ગાંજો સુંઘનારને માફિયા કહો છો? કોઈ એક સેલિબ્રિટીને પકડો છો, ફોટા પાડો છો અને પછી આખા ગામમાં ઢોલ વગાડો છો. અમારી પોલીસે 150 કરોડનું ડ્રગ્સ હમણાં જ જપ્ત કર્યું છે. તમે ચપટી ગાંજો સુંઘતા રહો, અમારી પોલીસ કામ કરતી રહેશે. પરંતુ સમાચારમાં માત્ર એટલું જ આવે છે કે, જામીન મળ્યા કે નહીં?