સંક્રમણ વધવાની વૈજ્ઞાનિકોની ચેતવણી વચ્ચે UKએ કોરોના પ્રતિબંધો હટાવ્યા, નાઇટ ક્લબો પણ ધમધમશે

July 20, 2021

UKમા કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને રોજના ૪૦-૫૦  હજાર નવા કેસ નોંધાયા છે ત્યારે જ કોરોનાનો પ્રકોપ વધવાની વૈજ્ઞાાનિકોની ચેતવણી વચ્ચે UKએ સોમવારથી કોરોનાને લગતાં પ્રતિબંધો હટાવ્યા છે. રવિવારે મોડી રાતથી સોશિયલ ડિસ્ટન્સિંગને લગતાં તમામ પ્રતિબંધો હટાવીને યુકેની સરકારે દૈનિક જીવનને મુક્ત કરી દીધું છે. નાઇટક્લબો ફરી ધમધમતા થઇ જશે અને અન્ય ઇન્ડોર વેન્યુને પણ તેમની ફુલ ક્ષમતા સાથે ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત બ્રિટન સરકારે માસ્ક પહેરવાના અને ઘરેથી રહીને કામ કરવાના કાનૂની આદેશોને પણ રદ કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રી કોરોનાગ્રસ્ત થયા બાદ આઈસોલેટ થયેલાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને લોકોને શાણપણ દર્શાવવા અને સંપૂર્ણ વેક્સિનેટેડ બે તૃતિયાંશ બ્રિટિશ પુખ્તો સાથે જોડાવામાં આળસ ના કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો યોગ્ય સભાનતા દાખવવામાં નહીં આવે તો સ્થિતિ ફરી વણસી શકે છે.

ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે વિક્ટોરિયા સ્ટેટમાં નવા કોરોના કેસીસની સંખ્યામાં સહેજ ઘટાડો થયો હોવા છતાં પણ મંગળવારથી આગળ ઉપર કોરોના લોકડાઉન જળવાઇ રહેશે. રાજ્યના પ્રિમિયર ડેનિયલ એન્ડ્ર્યુએ જણાવ્યું હતું કે સમુદાયોમાં હજું પણ નવા કેસ મળી રહ્યા છે તેથી હાલ રાહત નહીં મળે.