IIT માં લાખો ખર્ચીને ભણવા છતાં બેરોજગાર, માત્ર આટલા લોકોને જ મળી નોકરી!

September 04, 2024

દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો, IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક થનારને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દેશની 23 IIT માં 2024 ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ 21,500 વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું, પણ એમાંથી માત્ર 13,410 વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. 8,090 વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ 37.63! એક સમય એવો હતો કે IIT માંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે દૃશ્ય બદલાયું છે. તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે. આ વર્ષના IIT સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદ બેરોજગારીનો દર અગાઉ ક્યારેય નહોતો એટલો ઊંચો છે. વર્ષ 2023 અને 2022 માં સ્થિત 2024 જેટલી ખરાબ નહોતી. 2023 માં 20,000 IIT સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 15,830 ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક 17.1 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે 4,170 વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. 2022 માં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા 17,900 વિદ્યાર્થીઓમાંથી 3,000 કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને 8,090 થઈ ગયો છે.