મુંબઇગરાંને અચાનક ઉનાળાના આગમનનો અણગમતો અનુભવ : મહત્તમ તાપમાનમાં સીધો 6-7 ડિગ્રીનો વધારો

February 11, 2020

મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્રમાંથી શિયાળાની ધીમે પગલે વિદાય અને ઉનાળાનું આછેરું આગમન થઇ રહ્યું હોવાનો પહેલો સંકેત આજે મુંબઇગરાંને મળ્યો હતો.આજે બપોરે મુંબઇગરાંને અચાનક ગરમી અને  ઉકળાટનો અણગમતો અનુભવ થયો હતો.

આજે કોલાબામાં મહત્તમ તાપમાન૩૩.૩ અને લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૦ અને લઘુત્તમ તાપમાન ૨૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૫,૬,૭,૮ ફેબુ્રઆરીની સરખામણીએ  તાપમાનનો પારો સરેરાશ ૬થી૭ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો નોંધાયો હતો. 

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે એવો વરતારો આપ્યો હતો કે હવે મુંબઇ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી શિયાળાની તબક્કાવાર વિદાય થાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે.એટલે આવતા ચાર-પાંચ દિવસ દરમિયાન મુંબઇ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મહત્તમ  અને લઘુત્તમ તાપમાનનો પારો તબક્કાવાર ઉંચો નોંધાશે.વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધશે.ખાસ કરીને કોંકણનાં સમુદ્રકાંઠાંનાં સ્થળોએ ગરમીનો પારો ૩૨થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો નોંધાય તેવી શક્યતા છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપીહતી કે મુંબઇ પર ફૂંકાતા પવનની દિશામાં પરિવર્તન આવ્યું છે.હાલ પવનો ઇશાન અને અગ્નિ દિશામાંથી ફૂંકાવા શરૂ થયા છે.આ પવનોે તેની સાથે ગરમી લાવતા હોવાથી મુંબઇમાં ગરમીનો પારો ઊંચો નોંધાયો છે અને હજી ઊંચો રહેશે.બીજીબાજુ હાલ મહારાષ્ટ્રનાં દરિયાકાંઠાંનાં સ્થળોએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે.