કાર અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક ગંભીર ઈજાગ્રસ્ત, પત્નીનું મોત

January 12, 2021

બેંગ્લુરૂઃ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં શ્રીપદ નાઈક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની પત્નીનું મોત થયું હતું. ઘટના બાદ બંનેને તાકીદે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સારવાર બાદ શ્રીપદ નાઈક ભાનમાં આવી ગયા છે. બીજી તરફ સારવાર દરમિયાન તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા. નાઈકના પત્ની વિજયાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેમનું મોત થયું હતું. આ ઉપરાંત નાઈકના એક સહાયકનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, જે એસયુવીમાં નાઈક સવાર હતા તેમાં કુલ છ લોકો હાજર હતા.
મહત્ત્વની વાત એ છે કે દેશભરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે ત્યારે જ કેન્દ્રીય મંત્રીને અકસ્માત નડયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અકોલામાંથી તેમની કાર પસાર થઈ રહી હતી ત્યારે કારનો અકસ્માત થયો હતો. તેઓ યેલાપુરથી ગોકરન જઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનામાં કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. અકસ્માત થયો ત્યારે શ્રીપદ નાઈકની પત્ની બેભાન હતી અને ઘણા સમય સુધી તેમને ભાન આવ્યું નહોતું. ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ નાઈકને વધુ સારવાર માટે ગોવા શિફ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને ગોવાના મુખ્યમંત્રી સાથે વાત કરીને નાઈકની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીપદ નાઈક આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યૂનાની, સિદ્ધ અને હોમિયોપથી વિભાગના મંત્રી છે તથા તેમને સંરક્ષણ રાજ્ય મંત્રી તરીકે પણ જવાબદારી સોંપવામાં આવેલી હતી.પોલીસે જણાવ્યું કે, શ્રીપદ નાઈક અને તેમની પત્ની વિજયા પોતાના સહાયકો સાથે યેલાપુરના ગંતે ગણપતિ મંદિરમાં પૂજા કરવા માટે સોમવારે સવારે પહોંચ્યા હતા. અહીંયા દિવસ દરમિયાન પૂજા-અર્ચના કરીને તેઓ સાંજે સાત કલાકે પરત ફરી રહ્યા હતા.