સુરતનો અનોખો કિસ્સોઃ વેવાઈ-વેવાણ બાદ હવે જમાઈ-કાકીસાસુને લઈ ભાગી ગયો

January 26, 2020

અગાઉ જમાઈને ઢોર માર માર્યો હતો, એક જ સોસાયટીમાં રહેતા હતા જમાઈ-કાકીસાસુ


સુરતનો વેવાઈ અને વેવાણનો કિસ્સો બન્યા બાદ કતારગામમાં જમાઈ અને કાકીસાસુને લઈને રફુચકકર થઈ જતા ચકચાર મચી છે. કતારગામમાં કાકીસાસુ અને જમાઈ એક જ સોસાયટીમાં રહે છે. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ છે. બંને જણા ઘરેથી ભાગી ગયા છે. અને ત્રણ દિવસથી ગુમ છે. પરંતુ પરિવારે સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

જમાઈ કાપડ માર્કેટ સાથે સંકળાયેલો છે. જમાઈ અને કાકીસાસુ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલાં પરિવારજનોએ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા. જે બાદ જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. પણ બંને વચ્ચેનો પ્રેમ ખતમ થયો ન હતો.

ત્રણ દિવસથી જમાઈ અને કાકીસાસુ બંન્ને ગુમ રહેતાં પરિવારે ખાનગી રીતે બંનેની શોધખોળ શરૂ કરી છે. પણ સમાજમાં બદનામી ન થાય તે માટે આ કિસ્સો બહાર આવ્યો નથી. કે પરિવારજનો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વચ્ચેનો વર્ષો જુનો પ્રેમ સંબંધ છોકરા-છોકરીના લગ્ન સમયે પાછો જાગી ગયો હતો. જે બાદ બંને જણા કેટલાય દિવસોથી ભાગી ગયા છે. ત્યારે આ કેસમાં સંભવિત વર-વહૂએ લગ્નની ના પાડી દીધી છે. આ અંગે પરિવારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.