વાંસદામાં અનોખી ઘટના ઃ વેવાઈના મોતના સમાચાર સાંભળી વેવાઈ ઢળી પડ્યા

February 03, 2020

વાંસદામાં અનોખી ઘટના ઃ વેવાઈના મોતના સમાચાર સાંભળી વેવાઈ ઢળી પડ્યા
 

એક જ દિવસે બંને વેવાઈની અંતિમયાત્રા નીકળી


નવસારી ઃ વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે અનોખી ઘટના બની હતી. જેમાં વેવાઈના મરણના સમાચાર સાંભળીને વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. આ સાથે જ તેઓ ત્યાંજ ઢળી પડયા હતા. જે બાદ તેનું પણ મોત થયું હતુ. આમ એક જ દિવસે બે વેવાઈના મોતની ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામના ડુંગરી ફ્ળિયામાં રહેતા મગનભાઈ સયાભાઈ ગારીયા (ઉ.વ. ૭૭) માજી પોલીસ પટેલનું સવારે ૯ કલાકે કુદરતી રીતે મોત નીપજ્યું હતું. આ અંગેના સમાચાર એમની છોકરી લલિતાબેન કે જેને વાસદાના વડલી ફ્ળિયામાં રહેતા સોનુભાઈ સાવળિયાભાઈ ગવલી (ઉ.વ.૮૦)ને ત્યાં એમના છોકરા મોહનભાઇ ગવલી સાથે પરણાવી હતી તેને કરાઈ હતી. જે બાદ તેણીના સસરા સોનુભાઈને તેણીએ મગનભાઈ ગરિયાના મોતની જાણ કરી હતી. આ સમાચાર સોનુભાઈએ સાંભળતા જ પરિવાર વચ્ચે બોલી ઉઠયા હતા કે, તો તો મારે મરી જવું પડશે. આમ કહ્યા બાદ તેઓ તરત જ ત્યાં જ ઢળી પડયા હતા. જે બાદ તેમનું કુદરતી મોત થયું હતું.


આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઈ ગયા હતા. આ બન્ને વેવાઈ એકજ દિવસે મોતને ભેટતા પરિવારમાં અને ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બંને સદ્ગતોની અંતિમયાત્રા પોતાપોતાના ગામમાં નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજ તથા ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.