UP: મહિલા ટીચર સાથે ગેરવર્તણૂક કરવાનો વીડિયો વાયરલ

November 28, 2022

નવી દિલ્હી: મેરઠની એક કોલેજમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક સાથે જ ગેરવર્તણૂક કરવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓની આ ગેરવર્તણૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ શાળાના શિક્ષકે આ મામલે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ અને શિક્ષકની ફરિયાદ પર 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ શિક્ષકની છેડતી કરનાર ત્રણ વિદ્યાર્થીઓને કોલેજમાંથી નીકાળી દેવામાં આવ્યા છે. 
આ કેસમાં આરોપીઓમાં એક ભાઈ-બહેન પણ સામેલ છે, વિદ્યાર્થીઓ પર અશ્લીલ ટિપ્પણી કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાના બે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ કેસમાં પોલીસે ચારેયની અટકાયત કરી છે. 
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો કિઠોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાધના ઇનાયતપુર ગામની એક શાળાનો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે નોંધાવેલી લેખિત ફરિયાદમાં 27 વર્ષીય શિક્ષિકાએ આરોપ લગાવ્યો છે કે ધોરણ 12ના કેટલાક વિદ્યાર્થીઓ તેને લાંબા સમયથી હેરાન કરી રહ્યા હતા. કિઠોર પોલીસ સ્ટેશનના એસએચઓ અરવિંદ મોહન શર્માએ જણાવ્યું કે, 'આરોપ છે કે વિદ્યાર્થીઓએ શિક્ષક વિરુદ્ધ વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
શિક્ષકે આરોપ લગાવ્યો કે, "24 જૂને જ્યારે વિદ્યાર્થીઓએ મને શાળાના પરિસરમાં 'આઈ લવ યુ' કહ્યું ત્યારે તમામ હદો પાર થઇ ગઇ હતી. તેમજ આ ઘટનાનો વીડિયો પણ તેઓ બનાવી રહ્યાં હતા. ત્યારબાદ તેઓએ ક્લિપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સિવાય તેમણે કહ્યું કે, ક્લાસરૂમમાં મારા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
એસએચઓ અરવિંદ મોહન શર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેની ઉંમર 16 વર્ષની આસપાસ છે. મેરઠ પોલીસે રવિવારે ટ્વિટ કર્યું હતું કે, ચાર વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.