યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજરાત ટાઈટલની રેસમાંથી બહાર, મુંબઈને હરાવી દિલ્હી ટોચ પર

March 21, 2023

મુંબઈ: યુપી વોરિયર્ઝે એક બોલ બાકી હતો, ત્યારે ગુજરાત જાયન્ટ્સને ૩ વિકેટથી હરાવીને મહિલા પ્રીમિયર લીગ ટી-૨૦ના પ્લે ઓફમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ગુજરાતની સાથે બેંગ્લોર પણ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાયું હતું. મુંબઈ અને દિલ્હીએ પણ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જીતવા માટેના ૧૭૯ના ટાર્ગેટને યુપીએ સાત વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. ગ્રેસ હેરિસે ૪૧ બોલમાં ૭૨ રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી.જીતવા માટેના ૧૭૯ના ટાર્ગેટનો પીછો કરતાં યુપી ૩૯/૩ પર ફસડાયું હતુ. તાહિલા મેક્ગ્રા (૩૮ બોલમાં ૫૬ રન, ૧૧ ચોગ્ગા) અને ગ્રેસ હેરિસે ૫૩ બોલમાં ૭૮ રન જોડતાં ટીમની જીતની આશા જીવંત રાખી હતી. તાહિલા આઉટ થઈ ત્યારે યુપીને ૩૮ બોલમાં ૬૨ રનની જરુર હતી. હેરિસે ૪૧ બોલમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૨ રન ફટકારતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. આખરે એક્લેસ્ટોને ૧૩ બોલમાં ૧૯ રન અણનમ રહીને ફટકારતાં ટીમને જીતાડી હતી. કિમ ગાર્થે બે વિકેટ ઝડપી હતી.અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ગુજરાતે ૫૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. વોલ્વાર્ડટ ૧૪, હર્લીન ૪ અને ડંકલે ૨૩ રને આઉટ થઈ હતી. ડી. હેમલથા (૩૩ બોલમાં ૫૭ રન, ૩ છગ્ગા, ૬ ચોગ્ગા) અને ગાર્ડનરે ચોથી વિકેટમાં ૬૧ બોલમાં ૯૩ રનની ભાગીદારી કરતાં ટીમને સંગીન સ્થિતિમાં પહોંચાડી હતી. ગાર્ડનરે ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૩૯ બોલમાં ૬૦ રન ફટકાર્યા હતા. પાર્શવી ચોપરા અને રાજેશ્વરી ગાયકવાડે ૨-૨ વિકેટ મેળવી હતી.દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને મહિલા પ્રીમિયર લીગની ટી-૨૦માં ૯ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતુ. પ્લેયર ઓફ ધ મેચ મારિઝને કાપ્પે ૧૩ રનમાં બે વિકેટ ઝડપી હતી. શિખા પાંડે અને જેસ્સ જોનાસેનને પણ ૨-૨ વિકેટ મળી હતી. મુંબઈ તરફથી પૂજા વસ્ત્રાકરે સર્વાધિક ૨૮ અને હરમન તેમજ વોંગે ૨૩-૨૩ રન કર્યા હતા. જવાબમાં દિલ્હીએ કાપ્સેેના ૧૭ બોલમાં પાંચ છગ્ગા અને ૧ ચોગ્ગા સાથે અણનમ ૩૮ રનની મદદથી ૯ ઓવરમાં ૧ વિકેટે ૧૧૦ રન કરતાં મેચ જીતી લીધી હતી. પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ સીધી ફાઈનલ રમશે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે એલિમીનેટર રમાશે.