અમેરિકાના રક્ષા મંત્રીએ સુલેમાનીની હત્યાને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન

January 13, 2020

સંયુકત રાષ્ટ્ર : અમેરિકાએ જનરલ સુલેમાનીની હત્યાનું કારણ જે બતાવ્યું, તેમના પક્ષમાં અત્યાર સુધી કોઇ પુરાવા રજૂ કરાયા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પુરાવા વગર દાવો કર્યો હતો કે જનરલ સુલેમાની બગદાદ સ્થિત દૂતાવાસની સાથે પશ્ચિમ એશિયામાં હાજર 4 દૂતાવાસોને નિશાન બનાવાના હતા. જો કે હવે અમેરિકન રક્ષા મંત્રી માર્ક એસ્પરે ટ્રમ્પના આ દાવાઓની પુષ્ટિ કરવાનો ઇન્કાર કરી દીધો છે. એસ્પરે રવિવારના રોજ એક ચેનલને કહ્યું કે મારી સામે ચાર દૂતાવાસો પર હુમલાની કોઇ વાત સામે આવી નથી. તેની સાથે જોડાયેલા કોઇ પુરાવા નથી.

જો કે તેમણે રાષ્ટ્રપતિના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે ટ્રમ્પની જેમ જ મને પણ લાગતું હતું કે તેઓ અમારા દૂતાવાસોને નિશાન બનાવશે. કારણ કે તેઓ કોઇપણ દેશમાં અમારી તાકાત દેખાડે છે.

ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને લાગે છે કે તેઓ ચાર દૂતાવાસો પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. કદાચ બગદાદ સ્થિત દૂતાવાસ પર પણ હુમલાનું ષડયંત્ર હતું. જો કે સુલેમાનીની હત્યાના એક સપ્તાહ બાદ પણ ટ્રમ્પે આ દાવો કોઇપણ પ્રકારના પુરાવા વગર કે અન્ય માહિતી આપ્યા વગર કરી દીધો હતો. આની પહેલાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને ટ્રમ્પ પ્રશાસનના ઓફિસર સુલેમાનીની હત્યા પર કંઇ નક્કર કહી શકયા નહોતા.