યુએસ ઓપનઃ વિમેન્સ ડબલ્સમાં ઝેવોનારેવા-લોરાની જોડી ચેમ્પિયન

September 13, 2020

ન્યૂયોર્ક : રશિયાની વેરા ઝેવોનારેવા અને લોરા સિગમુન્ડેએ યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં બંનેએ ત્રીજો ક્રમાંક ધરાવતી શૂ યિફાન અને નિકોલ મેલિચારને સતત સેટમાં ૬-૪, ૬-૪થી હરાવી હતી. ૩૬ વર્ષીય ઝેવોનારેવાએ આ પહેલં ૨૦૦૬માં નતાલી ડેચી સાથે યુએસ ઓપનની વિમેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. તે ૨૦૧૦માં વિમેન્સ સિંગલ્સમાં રનર્સ-અપ રહી હતી. ૨૦૦૬માં વિમેન્સ ડબલ્સની ચેમ્પિયન ઝેવાનારેવાએ ખભામાં સર્જરી કરાવી હતી અને આ દરમિયાન તેણે પુત્રીને જન્મ પણ આપ્યો હતો. ૨૦૧૨માં તે ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ પણ જીતી ચૂકી છે.   
જ્યારે મેન્સ ડબલમાં બ્રાઝિલના બ્રૂનો સોરેસ અને ક્રોએશિયાના મેટ પાવિચની જોડીએ ફાઇનલમાં સીધા સેટમાં વિજય હાંસલ કરીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી લીધું હતું. સોરેસ અને પાવિચની જોડીએ ફાઇનલમાં નેધરલેન્ડ્સના વેસ્લી ફુલહાફ તથા ક્રોએશિયાના નિકોલ મેકટિચની જોડીને ૭-૫, ૬-૩થી હરાવી હતી. સોરેસે કારકિર્દીમાં ત્રીજો અને પાવિચે બીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. ગયા વર્ષે જોડી બનાવ્યા બાદ બંનેએ પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમ જીત્યો છે.