યુએસ ઓપનઃ ફાઇનલમાં ઝેવરેવે અને થિએમ ટકરાશે

September 13, 2020

ન્યૂયોર્ક : યુએસ ઓપનમાં એલેકઝાન્ડર ઝેવરેવેએ પાબ્લો કોરેના બુસ્ટાને હરાવીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો ડોમિનિક થિએમ સામે થશે. જર્મનીના ૨૩ વર્ષીય ટેનિસ સ્ટાર ઝેવરેવે પ્રથમ બે સેટમાં રિધમવિહોણો જણાતો હતો અને તેણે વારંવાર સામાન્ય ભૂલો કરી હતી. ત્યારબાદ અણીના સમયે તેણે રિધમ હાંસલ કરીને બુસ્ટાને ૩-૬, ૨-૬, ૬-૩, ૬-૪, ૬-૩થી પરાજય આપીને ફાઇનલમાં સ્થાન નિિૃત કરી લીધું હતું.  પાંચમા ક્રમાંકિત ઝેવરેવેનો બીજા ક્રમાંકિત થિએમ સામે ફાઇનલમાં મુકાબલો થશે. અગાઉ થિએમે ચાલુ વર્ષના જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પરાજય આપ્યો હતો. નવ વર્ષ પહેલાં રોજર ફેડરર સામે બે સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને જોકોવિચે મેચને જીતવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ આ પ્રકારનો વિજય મેળવનાર ઝેવરેવે પ્રથમ ખેલાડી છે. ઝેવરેવે છેલ્લા ૧૦ વર્ષમાં ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચેલો યંગેસ્ટ પ્લેયર પણ બન્યો છે. જોકોવિચે ૨૦૧૦ના યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે આ સર્બિયન ખેલાડી ૨૩ વર્ષનો હતો. બીજી તરફ ઓસ્ટ્રિયાના ૨૭ વર્ષીય થિએમે ગયા વર્ષના રનર્સ-અપ ડેનિલ મેડવેડેવને ૬-૨, ૭-૬, ૭-૬થી હરાવ્યો હતો.