ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી: વારાણસી જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો પર સપાનો કબજો

May 04, 2021

લખનઉ: ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં પુરા પરિણામ હજી સામે નથી આવ્યા. એપ્રિલ મહિનામાં ચાર તબક્કે થયેલા મતદાન બાદ મતગણતરી
ચાલી રહી છે. રાજ્યમાં  આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી પંચાયત ચૂંટણીઓનું પણ ખુબ મહત્વ છે.  ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લા
પંચાયતની ૩૦૫૦ બેઠક માટે થયેલા મતદાન પૈકી ૨૨૮ બેઠક પર ભાજપ, ૧૯૮ બેઠક પર સપા તો ૬૮ બેઠકો પર બસપા ઉમેદવારો સરસાઇ ધરાવી રહ્યા
છે. કોંગ્રેસ પણ ૫૨ બેઠકો પર આગળ છે. મુલાયમસિંહ યાદવના ભત્રીજી સંધ્યા યાદવ મેનપુરી જિલ્લા પંચાયત ચૂંટણી હારી ગયા છે. સંધ્યા યાદવ સપા
છોડીને ભાજપમાં સામેલ થયા હતા. સંધ્યા યાદવે મેનપુરી જિલ્લાની  એક બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.સપા ઉમેદવારે
સંધ્યા યાદવને શિકસ્ત આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ મનાતા વારાણસી જિલ્લામાં ભાજપને ભારે ફટકો પડયો છે. જિલ્લા પંચાયતની ૪૦ બેઠક
પૈકી ભાજપના ફાળે માત્ર ૮ બેઠક આવી છે. જિલ્લાની ૧૪ બેઠક પર સપા ઉમેદવાર જીતી ચુક્યા છે. વારાણસી જિલ્લા પંચાયતમાં બસપાને પાંચ, અપના
દળને ૩, તો સુભાસપા અને આમ આદમી પાર્ટીને ૧-૧ બેઠક મળી છે. જિલ્લા પંચાયતમાં ૩ અપક્ષ ઉમેદવારે પણ વિજય મેળવ્યો છે. બુલંદશહેરમાં પણ
ભાજપનો કારમો પરાજય થયો છે. અહીં ૫૨ પૈકી ભાજપને માત્ર ૧૦ બેઠક મળી છે. બાકીની બેઠકો પર અપક્ષો, સપા, બસપા અને રાલોદ ઉમેદવારોએ
ભાજપના ઉમેદવારોને શિકસ્ત આપી હતી.
અયોધ્યા જિલ્લા પંચાયતમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો શાનદાર વિજય થયો છે અહીં સપાએ ૪૦ પૈકીની ૨૪ બેઠકો જીતી લીધી છે. અયોધ્યા
જિલ્લામાં ભાજપને ફાળે છ તો માયાવતીના પક્ષ બસપાને ફાળે પાંચ બેઠક ગઇ છે. ગોરખપુર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અહીં ૬૮ બેઠકો
માટે મતદાન થયું હતું. ગોરખપુર જિલ્લા પંચાયતની ૨૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. ૨૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારો તો  ૧૩
બેઠકો પર સપા ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.