વડોદરા ગેંગરેપ:સુરતમાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું - હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું, આરોપીને ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું

November 22, 2021

સુરત : નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે પીડિતાની માતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. દરમિયાન આજે સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું. આરોપી ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરામાં જે નરાધમોએ કૃત્ય કર્યું છે એ તમામને ચોક્કસ સજા મળશે. ભોગ બનનાર પીડિતાની માતા એ જે પ્રકારની વાતો કરી છે હું આજે ફરી એક વખત આશ્વાસન આપું છું કે હું તેમના દીકરા તરીકે અને તેના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.