વડોદરા: મહિલાનો શિકાર કરનાર 12 ફૂટના મગરના બદલે બીજા બે મગર પાંજરે પુરાયા

March 25, 2020

 

વડોદરા- વડોદરા નજીક દેવનદી ગામે કપડા ધોવા ગયેલી મહિલા અને મગર વચ્ચે થયેલી ફાઇટ બાદ મહિલાનું મોત નિપજવાના બનાવમાં ફોરેસ્ટ વિભાગ બે મગરને પાંજરે પુર્યા છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગોરજ ગામ પાસે એક સપ્તાહ પહેલા કપડા ધોવા ગયેલી જવેરી બેન નામની મહિલાને મગર ખેંચી ગયો હતો.મહિલાએ મગર સાથે ઝપાઝપી પણ કરી હતી અને તે દરમિયાન ગ્રામજનોનો સહકાર મળતા મગર મહિલાને લોહીલુહાણ હાલતમાં છોડી અદ્રશ્ય થઇ ગયો હતો.

મગરના હુમલાથી ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.અગાઉ પણ આ વિસ્તારમાં ત્રણ ગ્રામજનો ઉપર મગરે હુમલો કર્યો હોવાથી ફોરેસ્ટ વિભાગે બાર ફૂટના મહાકાય મગરને પકડવા દેવ નદી વિસ્તારમાં પાંજરા મુક્યા હતા.

આ પાંજરામાં ગઈકાલે રાત્રે એક મગર પકડાયો હતો.જ્યારે આજે સવારે પણ એક મગર પકડાયો હતો. જોકે હજી સુધી હુમલાખોર મગર નહીં પકડાતા ફોરેસ્ટ વિભાગે તેને પકડવા કામગીરી જારી રાખી છે.