ગૌરક્ષાના નામે ફરી બર્બરતા, યુવકને હથોડા-દંડાથી માર્યો, એકની ધરપકડ

August 02, 2020

ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં ગૌરક્ષાના નામે એક યુવકને હથોડા અને દંડાથી મારવાનો બનાવ સામે આવ્યો છે. આ બર્બરતાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી. નૂંહનો રહેવાસી લુકમાન ગુરુગ્રામ માર્કેટમાં પિકઅપ દ્વારા મીટ પહોંચાડવા જઇ રહ્યો હતો ત્યારે 4-5 બાઇકસવાર યુવક તેનો પીછો કરવા લાગ્યા. આગળ જઇને તેમણે લુકમાનની ગાડીને ઘેરી લીધી. ત્યાર બાદ તેને માર માર્યો, જમીન પર ઢસડ્યો. આ બધું બની રહ્યું હતું ત્યારે પોલીસ પણ તમાશો જોઇ રહી હતી.

લુકમાને કહ્યું, આરોપીઓએ મારી ગાડી રોકાવી. હું મારી સલામતી માટે ગાડી દોડાવવા લાગ્યો. મેં સદર બજારમાં ગાડી રોકી. પછી મને ખેંચીને બહાર કાઢ્યો. હથોડાથી સખત માર માર્યો. આરોપીઓએ મને મારી ગાડીમાં બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. જેલ ટર્નિંગ આગળ પોલીસ બેરિકેડિંગ જોઇને આરોપીઓ ગાડી રોકીને ભાગી ગયા.

ગુરુગ્રામના પોલીસ કમિશનર કે. કે. રાવે જણાવ્યું કે આ મામલે એક આરોપીની ધરપકડ કરાઇ છે જ્યારે બાદશાહપુરના એસએચઓને લાઇન હાજર કરાયા છે. પિકઅપ ડ્રાઇવરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની ગાડીમાંથી મળેલા મીટનાં સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી દેવાયાં છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કહી શકાય. ફરજમાં બેદરકારી દાખવનારા એકેય પોલીસકર્મીને બક્ષવામાં નહીં આવે. સમગ્ર મામલે એસીપી સંદીપ મલિકને તપાસ સોંપાઇ છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.