વંદે ભારત ટ્રેનનો મોટો અકસ્માત ટળ્યો : વાવાઝોડાને કારણે ટ્રેન પર પડી ઝાડની ડાળીઓ, વીજળી પણ ગુલ

May 21, 2023

પુરી-હાવડા રુટ પર વંદે ભારત ટ્રેન આજે કુદરતી આફતનો શિકાર બની
બે દિવસ પહેલા શરૂ કરાઈ હતી ટ્રેન : પાયલોટ કેબિનનો કાચ પણ તૂટી ગયો

કોલકાતા- ભારતની સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેનને સતત અકસ્માતોનો શિકાર બની રહી છે. પુરી-હાવડા રુટ પર વંદે ભારત ટ્રેન આજે કુદરતી આફતનો શિકાર બની છે. અહીં વરસાદ અને વાવાઝોડાના કારણે વંદે ભારત ટ્રેન પર એક ઝાડની ડાળીઓ પડી છે, જેના કારણે ટ્રેનના કાંચ તુટી ગયા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ઘટના ઓડિશાના જાજપુર જિલ્લામાં સાંજે લગભગ 4.45 કલાકે બૈતરાની રોડ અને માંગી રોડ સ્ટેશનો વચ્ચે બની હતી. સાઉથ ઈસ્ટર્ન રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વાવાઝોડા દરમિયાન ઝાડની ડાળીઓ ટ્રેન પર પડી હતી. વાવાઝોડાના કારણે ઝાડની ડાળીઓ પુરીથી હાવડા જઈ રહેલી ટ્રેનના પૈંટોગ્રાફમાં ફસાઈ હતી. કુદરતી આફતનો શિકાર બનેલી ટ્રેનમાં પાયલોટ કેબિનનો કાચ પણ તૂટી ગયો છે. પૈંટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે ફસાવાથી ટ્રેનનો પાવર પણ બંધ થઈ ગયો છે.
હાવડા-પુરી-હાવડા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે PM મોદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેનું કોમર્શિયલ ઓપરેશન 2 દિવસ બાદ એટલે કે શનિવારે શરૂ કરાયું હતું. સંચાલન શરૂ થયા બાદ આ રૂટ પરની ટ્રેન કુદરતી આફતનો શિકાર બની હતી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે અનુસાર આ વંદે ભારત એક્સપ્રેસ બંગાળની બીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન શરૂ કરાયાના બીજા દિવસે અકસ્માતનો શિકાર થઈ છે.