સોનિયા ગાંધી સાથે વરુણ ગાંધીના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ

October 12, 2021

દિલ્હી- બીજેપી સાંસદ વરુણ ગાંધી ખેડૂતોને લઈને સતત પોતાની જ સરકારને પડકાર આપી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ તેમના સ્વાગતના પોસ્ટરો લગાવી દીધા છે. હકિકતમાં વરુણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો ચાલી રહી છે. એવામાં યૂપીના પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતાઓએ કેટલાક પોસ્ટર્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.
વરુણ ગાંધીના સ્વાગત પોસ્ટરમાં લખ્યું છે, દુ:ખ ભરે દિન બિતે રે ભઈયા અબ સુખ આયો રે. તેમા વરુણ ગાંધીની સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ તસવીર છે. નીચે ઈરશાદ ઉલ્લા અને બાબા અભય અવસ્થી જોવા મળી રહી છે. બન્નેને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બતાવવામાં આવી રહ્યા છે.
નોંધનિય છે કે, વરુણ ગાંધી સતત પાર્ટી લાઈનથી અલગ જઈને ખેડૂતો મુદ્દે ટ્વીટ કરી રહ્યા છે. તેમણે લખીમપુર હિંસા મામલે પણ સીએમ યોગીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી હતી. આ ઉપરાંત ઘટનાનો એક વીડિયો શેર કરીને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ પહેલા તેમણે ખેડૂતોની વિવિધ માગોને લઈને પણ યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો.
એવામાં અટકળો ચાલી રહી છે કે શું વરુણ ગાંધી અને બીજેપી નેતૃત્વ વચ્ચે અંતર વધી રહ્યું છે? આ અટકળોને હવે બીજેપીના તાજેતરના નિર્ણયે વધુ હવા આપી છે, જે લખીમપુરની ઘટના બાદ વરુણ ગાંધીએ આપેલા નિવેદન બાદ લેવામાં આવ્યો છે. તેમા વરુણ ગાંધીની સાથે સાથે તેમની માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે આ મામલે વરુણ ગાંધીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી., પરંતુ ખેડૂતોમાં સમર્થનમાં તેઓ નિરંતર ટ્વીટ કરી રહ્યા છે.