વિકાસ દુબેના ઘરને જેસીબીથી તોડી નાખવામાં આવ્યું, 2 દિવસથી ફરાર ગેંગસ્ટરની શોધમાં 20 ટીમ જોડાઇ

July 04, 2020

કાનપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબેના કિલ્લા જેવા ઘરને ધ્વસ્ત કરી દેવામા આવ્યું છે. જે ઘરથી પોલીસનો રસ્તો રોકવામા આવ્યો હતો તે ઘરને જિલ્લા વહીવટીતંત્રએ તોડી પાડ્યું છે. તેના ઘરમાં ટ્રેક્ટર અને બે SUV કારને પણ તોડી નાખવામા આવી છે. શનિવાર સવારથી જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ બિકરુ ગામ પહોંચી ગઇ હતી. વિકાસની શોધખોળમાં પોલીસની 100 ટીમ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. આ દરેક વિસ્તારમાં વિકાસના સંબંધી રહે છે. બાતમી આપવાની શંકામાં ચૌબેપુર ચોકી ઇન્ચાર્જ વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસે અત્યારસુધી આ મામલામાં પૂછપરછ માટે 12 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસને આશંકા છે કે વિકાસ નેપાળ ભાગી ગયો હોઇ શકે. તેથી લખીમપુર ખીરી જિલ્લાની પોલીસ પણ એલર્ટ મોડમાં છે. વિકાસ અંગે નેપાળ બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. અહીં નેપાળથી જોડાયેલી 120 કિમીની બોર્ડર છે. દરેક જગ્યાએ તસવીરો લગાડવામા આવી છે. SSBના અધિકારીઓ સાથે વાતચીત કરવામા આવી રહી છે. પોલીસને આશંકા છે કે વિકાસ સરેન્ડર માટે કોર્ટમાં અરજી કરી શકે છે. તેથી દરેક જિલ્લાની પોલીસને એલર્ટ કરવામા આવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મોબાઇલ કોલ ડિટેલના આધારે શંકાસ્પદ લોકોને ટ્રેસ કરવામા આવી રહ્યા છે. જે લોકોએ છેલ્લા 24 કલાકમાં વિકાસ દુબે સાથે ફોન પર વાત કરી છે તેમની યાદી તૈયાર કરવામા આવી રહી છે. લગભગ 250 નંબરોને સર્વેલન્સ પર લાવવામા આવ્યા છે. એવી શંકા છે કે જ્યારે પોલીસની ટીમ વિકાસની પૂછપરછ કરવા માટે નિકળી હતી ત્યારે કોઇએ ફોન પર જાણકારી આપી હતી.

વિકાસના ઘરની આજુબાજુ કોઇને પણ આવવાની મંજૂરી નથી. ઘર તોડ્યા પહેલા પોલીસે વિકાસ દુબેના પિતા રામકુમાર અને તેમની નોકરાણી રેખાને બાળકો સહિત બહાર બોલાવી લીધા હતા.

ચૌબેપુર વિસ્તારના રાહુલ તિવારીના સસરા લલ્લન શુક્લાની જમીન પર વિકાસે બળજબરીપૂર્વક કબ્જો કર્યો હતો. રાહુલે કોર્ટમાં વિકાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગત 1 જુલાઇએ વિકાસના સાગરિતોએ રાહુલને રસ્તામાંથી ઉઠાવી લીધો હતો. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી હતી. તેને જાનથી મારવાની ધમકી આપવામા આવી હતી. રાહુલે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પૂછપરછ માટે ચોકી ઇન્ચાર્જ વિકાસના ઘરે પહોંચ્યા હતા. અહીં વિકાસે તેમની સાથે મારઝૂડ કરી હતી. ત્યારબાદ ચોકી ઇન્ચાર્જે રાહુલની ફરિયાદ અંગે કંઇ કર્યુ નહીં અને મારપીટ અંગે પણ કોઇ સાથે ચર્ચા ન કરી. ત્યારબાદ અધિકારીઓના આદેશ પર ચૌબેપુર થાણામાં વિકાસ દુબે પર કેસ દાખલ કરવામા આવ્યો હતો. ગુરૂવારે મોડી રાત્રે સીઓ દેવેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં શિવરાજપુર, ચૌબેપુર, બિઠૂર થાણાની પોલીસ બિકરૂ ગામમાં વિકાસ દુબેના ઘરનો ઘેરાવ કરવા પહોંચી હતી.