વિનય કુમાર સક્સેના દિલ્હીના નવા ઉપરાજ્યપાલ બનશે

May 23, 2022

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે વિનય કુમાર સક્સેનાની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નામની જાહેરાત કરી છે. વિનય કુમાર વર્તમાનમાં રાષ્ટ્રીય ખાદી વિકાસ તથા ગ્રામઉદ્યોગ આયોગના અધ્યક્ષ છે. મહત્વનું છે કે દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે અનિલ બૈજલે થોડા દિવસ પહેલા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધી હતું. ભારત સરકારે અનિલ બૈજલનું રાજીનામુ સ્વીકારી લીધુ હતું. હવે નવા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના નવા એલજી વિનય કુમાર સક્સેના હશે. 


દિલ્હીના નવા ઉપરાજ્યપાલના નામની જાહેરાતમાં વિલંબ થયો છે. કારણ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદેશ પ્રવાસે હતા. રાષ્ટ્રપતિ રવિવારે વિદેશ પ્રવાસથી પરત આવ્યા અને સોમવારે નવા નામની જાહેરાત થઈ ગઈ છે. હવે દિલ્હીના નવા ઉપરાજ્યપાલને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે પ્રફુલ પટેલને કેન્દ્ર સરકાર રાજધાનીમાં ઉપરાજ્યપાલ બનાવી શકે છે. 

રાષ્ટ્રપતિ દ્વારા નામ પર મહોર લાગ્યા બાદ હવે વિનય કુમાર ઉપરાજ્યપાલ પદે શપથ લેશે. રાજકીય સૂત્રો પ્રમાણે શપથ સમારોહ ઉપરાજ્યપાલ નિવાસમાં યોજાશે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, દિલ્હીની કેબિનેટ, દિલ્હી વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય સચિવ, દિલ્હીના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદની સાથે અધિકારીઓ હાજર રહી શકે છે.