વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસલ કરનાર 5મો ભારતીય બન્યો, દિગ્ગજ ખેલાડીની એલિટ લિસ્ટમાં સામેલ

March 11, 2023

અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલી ઘરઆંગણે ખાસ રેકોર્ડ બનાવીને ભારતના દિગ્ગજ ખેલાડીની એલિટ લિસ્ટમાં સામેલ થયો હતો. આ સાથે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 

ભારતનો સ્ટાર ખેલાડી કોહલી 42 રન બનાવતા જ ઘરઆંગણે ટેસ્ટમાં 4000 રન પૂરા કર્યા હતા. આ સાથે તે આવું કરનાર માત્ર પાંચમો ભારતીય બન્યો છે. આ માઈલસ્ટોન હાંસલ કરીને તે કોહલી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, અને વીરેન્દ્ર સેહવાગ સાથે એલિટ લિસ્ટમાં સામેલ થયો છે.

આજે કોહલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર ઉતર્યો ત્યારે ભારતીય બેટ્સમેને ઘરઆંગણે તેની 50મી ટેસ્ટ મેચ રમી હતી. તે ઘરઆંગણે ભારત માટે ઓછામાં ઓછી 50 ટેસ્ટ રમનાર 13મો ભારતીય અને ત્રીજો સક્રિય ખેલાડી બન્યો છે. તેની સાથે માત્ર ચેતેશ્વર પૂજારા અને રવિચંદ્રન અશ્વિન સક્રિય ભારતીય ખેલાડી છે જેણે ઘરઆંગણે 50થી વધુ ટેસ્ટ રમી છે. કોહલીએ અત્યાર સુધી ઘરઆંગણે 77 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. કોહલીએ ટેસ્ટ કારકિર્દીમાં ઘરઆંગણે અત્યાર સુધીમાં 13 સદી અને 12 ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલીની 74 આંતરરાષ્ટ્રીય સદી છે.