નરોડામાં પરંપરાગત રીતે નીકળશે પલ્લી, શ્રધ્ધાળુ કરશે યાત્રાના દર્શન

October 13, 2021

અમદાવાદ: દશેરા પર્વ નિમિત્તે શહેરના નરોડા વિસ્તારમાંથી 137 મી પલ્લી યાત્રા નિકળશે. નરોડા ગામના દરબારવાસથી નિકળનારી પલ્લી અઢી કિ.મી. પદયાત્રા કરી રાંદલમાતાજીના મંદિરે લઇ જવાશે. આ દરમિયાન સંખ્યાબંધ શ્રધ્ધાળુ પલ્લીના દર્શન કરશે. બીજી તરફ પલ્લીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નરોડા પોલીસે મોડી રાત્રીથી જ બંદોબસ્ત ગોઠવી દેવા પક્રિયા હાથ ધરી છે. કોરોના કાળ હોવાથી દર્શનાર્થી ફરજીયાત માસ્ક પહેરી આવે તેવી વ્યવસ્થા ગોઠવવા કવાયત હાથ ધરાઇ છે.
શહેરના નરોડા વિસ્તારમાં છેલ્લા 136 વર્ષથી પરંપરાગત પલ્લી નિકળે છે. પલ્લી દરબારવાસમાંથી નિકળી નળેશ્વર મહાદેવ, માછલી સર્કલ થઇ આખાય ગામમાં ફરી રાંદલમાતાના મંદિર પાસે પહોંચે છે. જેના કારણે નરોડા ગામથી દહેગામ જતો રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ અંગે દરબાર યુવક મંડળના સતુભા દરબારે જણાવ્યું હતું કે, પારંપરિક પલ્લીમાં 250 થી વધુ સ્વયંસેવકો પલ્લીની સાથે રહે છે અને કોઇને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય છે. છેલ્લા 136 વર્ષથી પલ્લી નિકળે છે અને સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ પલ્લીના દર્શન કરે છે. આ વર્ષે કોરોના હોવાથી લોકો ફરજીયાત માસ્ક પહેરી દર્શન માટે આવે તેવી અમારી લોકોને નમ્ર અપિલ છે.
બીજી તરફ પલ્લીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નરોડા વિસ્તામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત પલ્લીની આગળ અને પાછળ 100 થી વધુ પોલીસ ગાર્ડ રહેશે. પલ્લીના ઉત્સવનો નરોડામાં અનેરો ઉત્સાહ લોકોમાં હોય છે, પલ્લી નીકળે ત્યારે હજારો લોકો તેના દર્શન કરવા માટે ઉમટી પડે છે, જેના કારણે નરોડા વિસ્તારામાં દોઢેક કલાક માટે તો રોડ પણ બંધ કરી દેવામાં આવે છે.