વિવાદિત પ્રદેશને લઈ અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું

September 28, 2020

યેરેવાનઃ રવિવારે સવારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વિવાદાસ્પદ નાગોર્નો-કારાબાખના મામલે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અઝરબૈજાનની સેનાએ કારાબાખના મુખ્ય શહેર સ્ટેપનાકર્ટ સહિત સેનાની ફ્રન્ટલાઇન અને નાગરિક વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આર્મેનિયાના સંરક્ષણ વિભાગે દાવો કર્યો હતો કે તેની સેનાએ અઝરબૈજાનની સેનાનાં બે હેલિકોપ્ટર અને ૩ ડ્રોન તોડી પાડયાં હતાં અને વળતા હુમલામાં અઝરબૈજાનની સેનાની ૩ ટેન્કનો નાશ કર્યો હતો. અઝરબૈજાનના રાષ્ટ્રપતિભવનના જણાવ્યા અનુસાર આર્મેનિયન વાયુસેનાના બોમ્બમારામાં અમારી સેનાના જવાનો અને કેટલાક નાગરિકોનાં મોત થયાં છે. અમારી સેનાએ દેશની જનતાની સુરક્ષા માટે ટેન્ક, આર્ટિલરી મિસાઇલ અને ફાઇટર જેટ અને ડ્રોન દ્વારા વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. આર્મેનિયાએ જણાવ્યું હતું કે, અઝરબૈજાનના હુમલાથી યુદ્ધ શરૂ થયું છે. અઝરબૈજાન સાથે લશ્કરી અથડામણ શરૂ થતાં જ આર્મેનિયાએ દેશમાં માર્શલ લૉ જાહેર કરી સેનાને સરહદો તરફ રવાના કરી હતી. આર્મેનિયાના વડા પ્રધાને જણાવ્યું હતું કે, સરકારે દેશમાં માર્શલ લૉ જાહેર કરી સેનાને તમામ સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે.