મતદારોને રિઝવવા ‘વોર રૂમ’ ધમધમશે:નવરાત્રિમાં ભાજપ વિધાનસભા ચૂંટણીના ‘શ્રી ગણેશ’ કરશે

September 25, 2022

અમદાવા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીનો સમય જ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા સ્તરેથી ચૂંટણીમાં પ્રચાર અને પ્રસાર કરવામાં સરળતા ખાતર ભાજપ ફરીથી ચાલુ વખતે પણ મીડિયા સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યું છે.


અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહા નગર ખાતે તેમજ જિલ્લા સ્તરે સ્થાપેલા કમલમ કાર્યાલય ખાતે મીડિયા સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ કરવા પાછળ હેતુ એ છે કે દરેક જિલ્લાની પરિસ્થિતિ અને અલગ ઘટનાઓ બનતી હોય છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્તરેથી જ મીડિયા સાથે સરળતાથી સંપર્ક સાધવા માટે ભાજપ મીડિયા સેન્ટર શરૂ કરી રહ્યું છે. દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કાર્યકરો, નેતા અને અગ્રણીઓ તો કાર્યાલયની મુલાકાતે આવતાં જ હોય છે પરંતુ જિલ્લા સ્તરેથી સામાન્ય રીતે ભાજપના નેતાઓ મીડિયા સાથે સંકલન સાધી અને જિલ્લા પૂરતી તમામ માહિતી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે તેમજ સંકલન સાધવામાં સરળતા રહી શકે તે હેતુથી પણ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે.