ટેક્સાસમાં જળસંકટ : ૧.૪ કરોડ લોકો પાણી વિના ટળવળી રહ્યાં છે

February 21, 2021

વોશિંગ્ટનઃ અમેરિકાનાં ટેક્સાસમાં બરફનાં તોફાન ઉરીએ ભારે વિનાશ વેર્યો છે. વીજળી પુરવઠો ખોરવાઈ જવાથી તેમજ પાઈપોમાં પાણી ફ્રીઝ થઈ જવાથી પાઈપો તૂટી જતા પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. આશરે ૧.૪ કરોડ લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. ૧૦ અને ૧૧મીએ આવેલા બરફનાં તોફાનને કારણે વીજળીની ગ્રીડ ફેઈલ થઈ જતા લાખો લોકોને અંધકારમાં રહેવાની ફરજ પડી છે. સત્તાવાળાઓ દ્વારા વીજળી પુરવઠો જુદાજુદા રાજ્યો અને શહેરોમાં તબક્કાવાર અપાઈ રહ્યો છે. પાવર સ્ટેગરિંગની સિસ્ટમ અમલમાં મુકાઈ છે. પાણીનો સપ્લાય બંધ થઈ જતા લોકો બરફ એકઠો કરે છે અને તેને ગરમ કરીને પીવાનાં પાણી તરીકે ઉપયોગ કરે છે. હજારો લોકો બોટલનાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. નિષ્ણાતોએ આવી રીતે લોકો દ્વારા પાણી પીવાથી આરોગ્યને લગતા ખતરનાક જોખમો સર્જાશે તેવી ચેતવણી ઉચ્ચારી છે. હ્યુસ્ટનનાં સ્ટેડિયમની બહાર હજારો લોકોએ પાણીની બોટલ મેળવવા લાઈનો લગાવવી પડી છે. બરફનાં તોફાનથી એકલા ટેક્સાસમાં જ ૫૦ લોકોનાં મોત થયા છે. ટેક્સાસની કુલ વસ્તી ૨.૯ કરોડ છે પણ તેમાંથી ૫૦ ટકા વસતી પાણીનાં સંકટમાં ફસાઈ છે.   મોટાભાગનાં હિસ્સામાં ૫ દિવસ સુધી વીજળી પુરવઠો ઠપ થયા પછી તમામ પાવર પ્લાન્ટ ચાલુ કરી દેવાયા છે. આમ છતાં ૨ લાખ ઘરમાં વીજળી સપ્લાય ઠપ છે. ૧૭૭ કાઉન્ટીમાં ૧૦૦૦ પબ્લિક વોટર સિસ્ટમમાં પાણી સપ્લાય હજી શરૂ થઈ શક્યો નથી. પાઈપો ફ્રીઝ થઈને ફાટી જવાને કારણે અનેક ઘરની છત તૂટી છે.