જૂનાગઢમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી પાણી પાણી

July 25, 2021

જૂનાગઢ : જૂનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી. ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી. દાતાર પર વરસેલા વરસાદના કારણે પગથિયાં પર ખળખળ પાણી વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

આજે સવારથી જૂનાગઢ વાસીઓ ઉપર મેઘરાજાની ધીમીધારે મહેર શરૂ થઇ હતી. આ સમયે ગરવા ગીરનાર પર્વતે વરસાદી વાદળોની જાણે ચાદર ઓઢી હોય તેવો અદભુત નજારો જોવા મળતો હતો. શહેર-પંથકમાં શરૂ થયેલ મેઘસવારી 10 વાગ્‍યાથી અવિરત ચાલી રહી હતી અને બપોરે 2 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા શહેરના નીંચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા હતા. જયારે રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે શહેરીજનો વરસાદી મોસમની મજા માણવા ઘરની બહાર નીકળતા જોવા મળતા હતા.