’વિદેશ જેવા રસ્તા માટે આપણી આર્થિક સ્થિતિ નથી’ : નીતિન પટેલ

September 21, 2020

અમદાવાદ  : ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. ત્યારે તમામ લોકો આ ખાડાઓથી તંગ આવી ગયા છે અને રાજ્ય સરકારને સારા રોડ બનાવવા માટે અપીલ કરી રહ્યા છે જેથી વારંવાર શહેર અને રાજ્યના હાઇવે તૂટે નહી અને લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે નહી, પરંતુ આ મામલે રાજ્યના ડેપ્યૂટી સીએમનું કંઇ અલગ જ કહેવું છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં તુટેલા રોડ વિશે જવાબ આપ્યો છે. નીતિન પટેલે વિદેશના રસ્તા કેમ નથી તૂટતા તે મુદ્દે જવાબ આપ્યો છે, આ જવાબ ખુબ જ હાસ્યાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે. નીતિન પટેલે જવાબ આપતા જણાવ્યું છે કે,”આપણે ત્યા રોડ રસ્તા આસ-પાસ અનેક દબાણો છે અને સારા રોડ બનાવવા માટે ખર્ચ પણ વિદેશમાં વધારે હોય છે આપણે એવી આર્થિક સ્થિતિ નથી. તેથી આપણે સારા રોડ નથી બનાવી શક્તા”

અહિં સૌથી મોટો સવાલ એ થાય છે કે, શું ગુજરાતની પ્રજા આટલો ટેક્સ ભરી રહી છે છતા રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ હજી પણ નથી સુધરી કે તે પ્રજાને સારા રસ્તા બનાવી આપે?

ઉલ્લેખનિય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. આજે પ્રથમ બેઠકમાં 3 સરકારી વિધેયક લવાશે. કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું.

સમગ્ર ગુજરાતના રોડ તૂટેલી હાલતમાં છે. ગુજરાતની પ્રજા પોતાના વાહનો રોડ ઉપર ચલાવી શકતી નથી. સરકાર રોડ ટેક્સ તો સારો ઉઘરાવે છે, પણ ગુજરાતના લોકોના પૈસાથી ફરતાં નેતાઓને પ્રજાની પડી નથી. આજે ભાજપ હોય કે કોંગ્રેસ, આ નેતાઓનાં ઘર સુધી પાક્કા રસ્તા જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસો કે જેઓ વોટ આપીને નેતાઓને પસંદ કરે છે તેઓનાં માટે ખખડધજ રસ્તાઓ છે. ત્યારે નીતિન પટેલનો આ જવાબ હાસ્યાસ્પદ લાગી રહ્યો છે. કારણ કે પ્રજા અને નેતાના ઘર બહારના રોડ કંઇક અલગ જ પ્રકારના હોય છે.