આપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ

November 23, 2021

કલકત્તા: ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડની શરુઆત ઘણી સારી થઈ છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે સીરિઝ જીતી ગઈ છે. રાહુલ દ્રવિડે આ જીત બદલ ખુશી તો વ્યક્ત કરી જ છે, પણ પોતાની ટીમને એક મહત્વની સલાહ પણ આપી છે. ભારતે રવિવારના રોજ ત્રીજી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૭૩ રનથી મેચ પોતાના નામે કરી હતી.મેચ પત્યા પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, આ વાસ્તવમાં ઘણી સારી સીરિઝ હતી. દરેક ખેલાડીએ સીરિઝની શરુઆતથી જ સારું યોગદાન આપ્યું છે. શાનદાર શરુઆત કરીને ઘણું સારું લાગી રહ્યું છે. પરંતુ અમે યથાર્થવાદી છીએ અને આપણે પોતાના પગ જમીન પર રાખવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ નથી ઈચ્છતા કે આ જીતને કારણે પ્લેયર્સ ઓવરકોન્ફિડન્સમાં આવી જાય અને તેમના પ્રદર્શન પર તેની અસર પડે. રાહુલ દ્રવિડે કહ્યું કે, ન્યુઝીલેન્ડ માટે વર્લ્ડ કપ ફાઈનલના છ જ દિવસ પછી ત્રણ મેચ રમવી સરળ બાબત નહોતી. આપણે પોતાના પગ જમીન પર રાખીને નવો સબક લઈને આગળ વધવું પડશે. ઉલ્લેખનીય છે કે કોચ રાહુલ દ્રવિડ યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. તેમણે જણાવ્યું કે, ખરેખર જોઈને સારું લાગે છે કે અમુક યુવા ખિલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. અમે તે પ્લેયર્સને તક આપી જેમને પાછલા થોડા મહિનાઓમાં વધારે ક્રિકેટ રમવા નથી મળ્યું. ખરેખર જોઈને સારું લાગ્યું કે આપણી પાસે સારા વિકલ્પો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી૨૦ સીરિઝમાં ભારતે ૩-૦ સાથે ક્લિન સ્વીપ કરીને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર શ્રેણીવિજય મેળવ્યો છે. કોલકાતામાં રમાઈ રહેલી સીરિઝની અંતિમ ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે બાદ ભારતે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકસાન પર ૧૮૪ રન બનાવ્યા હતા.