સીએએ-એનઆરસી મુદ્દે ભારતને ખુલાસો પૂછીશું

February 23, 2020

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સૌપ્રથમ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને એનઆરસી જેવા ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દાઓ પર ચર્ચા કરશે તેમ વ્હાઈટ હાઉસે શુક્રવારે જણાવ્યું હતું.

આ સાથે ભારત પ્રવાસના કેટલાક દિવસો પહેલાં જ ટ્રમ્પના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનોમાં વધુ એકનો ઉમેરો થયો છે. ટ્રમ્પે તાજેતરમાં જ આ પ્રવાસમાં ભારત સાથે ટ્રેડ ડીલ નહીં કરવા, એક કરોડથી વધુ ભારતીયો દ્વારા રોડ-શોમાં તેમનું સ્વાગત જેવા વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. હવે વ્હાઈટ હાઉસે ટ્રમ્પની મુલાકાત પહેલાં સીએએ અને એનઆરસીનો મુદ્દો ઉઠાવતાં મોદી સરકારની ચિંતા વધારી દીધી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી મોદી સરકારને બંને દેશોના વ્યાપારિક સંબંધોમાં સુધારા અંગે ઘણી આશાઓ હતી, પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ મોદી સરકારની ચિંતા વધારી દીધી છે.