વતનના ગામમાં સૂકો રોટલો ખાઇશું, પણ અન્ય રાજ્યમાં પાછા નહિ જઇએ

June 04, 2020

બાંદા : કોરોના વાઇરસના ઉપદ્રવના લીધે અમલી બનાવાયેલા લોકડાઉનના પગલે વતનથી દૂરના ગામોમાં ધંધો - રોજગાર ગુમાવી ચૂક્યા પછી યાતનાભરી યાત્રા કરીને પાછા ઉત્તરપ્રદેશ સ્થિત વતનભેગા થઇ શકેલા સ્થળાંતરિત અનેક કામદારો ફરી વાર પોતાનું ગામ છોડવા કરતાં સૂકો રોટલો ખાઇને પણ ગામમાં જ રહેવાનું પસંદ કરે છે.

આવા નુકસાનકારક નિર્ણય પાછળ રહેલી દારૂણ વેદનાને કેટલાક શ્રમિકોએ અહીં વાચા આપી છે. બાંદા જિલ્લાના શ્રમિક શિવલખને કહ્યું કે પોતે ગુજરાતના સુરતમાં એક સાડીના કારખાનામાં નોકરી કરતો હતો, જયાં મને રોજના ૫૫૦ રૂપિયા વેતન મળતું હતું. પરંતુ એ બંધ પડતાં કારખાનાના માલિકે મને પૂરતો પગાર ચૂકવ્યા વિના હાંકી કાઢ્યો કોઇ વિકલ્પ નહિ રહેતા બે વર્ષની પુત્રી અને સગર્ભા પત્ની સાથે યુ.પી.માં આવેલા પોતાના ભાડાવાલા ગામે પાછા વળવાનું નક્કી કર્યું. અમે સુરતથી પગપાળા પ્રવાસ શરૂ કર્યો અને રસ્તામાં અનેક મુશ્કેલીઓ વેઠતાં અહીં પહોંચ્યા છીએ.

શિવલખન પાસે જોબ-કાર્ડ નથી. ગામના સરપંચે એણે કોઇ કામ આપ્યું નથી. એં. જોબ કાર્ડ માટે અરજી કરી છે. સુરતના એ જ કારખાનામાં કામ કરતો દીપક નામનો અન્ય શ્રમિક કારખાનું બંધ પડતાં પાછો ભાડાવાલા ગામે જઇ પહોંચ્યો છે. અને ધંધા- રોજગાર વિના બેકાર બેઠો છે.

મુંબઇમાં બે દાયકાથી હોમ પેઇન્ટર (ઘર રંગનાર) તરીકે શ્રમકાર્ય કરનાર ઇમરાનખાન (૪૦) એ જણાવ્યું કે લોકડાઉનનો અમલ શરૂ થતાં હું મારો રોજગાર ગુમાવી બેઠો મારે મારાં પિતા, પત્ની અને બે બાળકોનું પરિવાર છે. કામ-ધંધા વિના મુંબઇમાં રહેવા કરતાં ગામે પાછા જતા રહેવું સારૂં એમ સમજીને વતનના ગામે પાછો આવી ગયો છું. સરપંચે મારાં આધાર-કાર્ડ અને બેન્ક- ખાતાની વિગતો લીધી છે. મારો પુત્ર સ્નાતક છે, પરંતુ હવે એને આગળ ભણાવી શકું એમ નથી.

સોલાપુર (મહારાષ્ટ્ર) માં સેફ્ટી ઇજનેર તરીકે નોકરી કરતા અનિલકુમાર વર્મા (૪૦) એ કહ્યું કે એ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં બેસીને પોતાના ગામ પહોંચ્યો છે. સરકાર તરફથી કોઇ મદદ મળી નથી. મિત્રોએ પણ કિનારો કરી લીધો છે. અહીં ગામમાં પંચાયતે ભોજનની વ્યવસ્થા પણ કરી નથી. એક સામાજિક સંસ્થા અમને ખાવાનું આપે છે.

આ તમામ શ્રમજીવીઓ કહે છે કે અમે અમારાં ગામમાં કંઇ પણ ધંધો-રોજગાર કરી લઇશું, પરંતુ બીજા રાજ્યોમાં પાધા નહિ જઇએ... અમારાં શુભેચ્છકો અહીં જ છે.. અમારાં બાળકો (શહેરની) કોન્વેન્ટ સ્કૂલમાં નહિં, પણ અમારાં ગામડાની સરકારી શાળામાં ભણે એમ ભગવાન ઇચ્છે છે તો બાળકો એ રીતે ભણશે.