માસ્ક પહેરવું-સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી, લોકડાઉન તોડ્યું તો પહેલાની જેમ 2 વર્ષની સજા, થૂંકવા પર દંડ

May 31, 2020

નવી દિલ્હી. મોદી સરકારે બીજા ટર્મની પહેલી વર્ષગાંઠ પર શનિવારે લોકડાઉન 5ની જગ્યાએ અનલોકના ત્રણ તબક્કાની જાહેરાત કરી. તેમાં સૌથી મોટી વાત એ છે કે દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન નિર્ધારિત નિયમો પ્રમાણે ચાલુ રહેશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર 7 પેજની ગાઇડલાઇનમાં 5,6 અને 7મા પેજ પર લોકડાઉન તોડવા પર કડક કાર્યવાહીના નિર્દેશ છે. તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો 2005 અનુસાર દંડની જોગવાઇ છે. 
બીજા તબક્કાની જાહેરાતમાં સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સ્થળો અને કામ કરવાના સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત હશે. જાહેર સ્થળો પર થૂંકવા પર સજા અને પેનાલ્ટી બન્ને લાગશે. ગાઇડલાઇનમાં કાયદો તોડનારા લોકો અને અન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરવાની સ્થિતિ પેદા કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમની કલમ 9 પ્રમાણે એક્શન લેવાશે. સરકારી કર્મચારીઓનો આદેશ ન માનવા પર IPC 188 અનુસાર કાર્યવાહી કરવામા આવશે. 

જો કોઇ વ્યક્તિ કોઇ સરકારી કર્મચારીને તેમની કામગીરી પૂરી કરવાથી રોકે છે અથવા તો કેન્દ્ર/રાજ્ય સરકારો દ્વારા સક્ષમ એજન્સી દ્વારા જાહેર નિર્દેશોનું પાલન કરવાથી ઇનકાર કરે છે તો તેને આ કલમ અંતર્ગત સજા આપવામા આવશે.  ઉદાહરણ માટે આ કલમ અંતર્ગત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન જેમાં પૂજાસ્થળ પર જવું, સામાજિક કાર્યક્રમ આયોજિત કરવું વગેરે સામેલ છે , આ બધી બાબતો ગુનો માનવામા આવશે. આ કલમ અંતર્ગત 1 વર્ષ સુધીની કેદ અને પેનલ્ટી લાગી શકે છે. જોકે જો દોષીતના લીધે કોઇના જાનમાલનું નુકસાન થાય તો 2 વર્ષની કેદ અને પેનલ્ટી લાગી શકે છે. 

જો કોઇ વ્યક્તિ રાહત કાર્યો માટે કોઇ પણ ધન અને સામગ્રીનો દુરૂપયોગ પોતાના માટે કરે છે અથવા તેને બ્લેકમાં વેચે છે તો આ કલમ અંતર્ગત દોષી સાબિત થઇ શકે છે. આ કલમ અંતર્ગત 2 વર્ષ સુધીની સજા અને પેનલ્ટી લાગી શકે છે.