પશ્વિમ બંગાળે દિલ્હી, મુંબઈ સહિત 6 શહેરોથી કોલકાતા આવનારી ફ્લાઈટ્સ પર 15 ઓગસ્ટ સુધી પ્રતિબંધ વધાર્યો

July 31, 2020

નવી દિલ્હી. :  પશ્વિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી, મુંબઈ, પૂણ,ચેન્નાઈ, અમદાવાદ અને નાગપુર સહિત 6 શહેરથી કોલકાતા આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16 લાખ 39 હજાર 350 થઈ ગઈ છે. ગુરુવારે રેકોર્ડ 54 હજાર 750 દર્દી વધ્યા. સાથે જ 37 હજાર 425 દર્દી સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 783 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
તો આ તરફ કોરોના સંક્રમણના કારણે મોતના કેસમાં ભારત હવે ઈટલીને પણ પાછળ છોડીને પાંચમા નંબરે પહોંચી ગયું છે. વેબસાઈટ worldometers પ્રમાણે, શુક્રવાર સવાર સુધી ભારતમાં કોરોનાથી 35 હજાર 786 લોકોના મોત થયા છે. કોરોનાથી મોતના કેસમાં સૌથી આગળ અમેરિકા(1 લાખ 54 હજાર 963), બ્રાઝિલ(91 હજાર 263), બ્રિટન(45 હજાર 999) અને પછી મેક્સિકો(45 હજાર 361) છે. ઈટલીમાં 35 હજાર 132 લોકોના મોત થયા છે.