હોઠને સુંવાળા અને ગુલાબી રાખવા શું કરવું?

October 06, 2021

હોઠને સુંવાળા રાખવા માટે મોઈશ્ચરાઈઝ કરવા જોઈએ. તે માટે ઘાણીનું રિફઈન્ડ કર્યા વગરનું કોપરેલ, મધપૂડાનું મીણ અને બદામનું રિફઈન્ડ કર્યા વગરનું તેલ બેસ્ટ હોય છે. તેનાથી હોઠની ચામડી સંુવાળી અને મખમલી બનશે. મોઇશ્ચર થતા રહેવાથી હોઠની ત્વચા આકર્ષક દેખાતી રહેશે. હોઠ પર પરસેવો નથી થતો એટલે હોઠની ચામડીના મૃત કોષ દૂર થવાની કોઈ કુદરતી વ્યવસ્થા નથી. સામાન્ય રીતે સુતરાઉ મુલાયમ કાપડથી મોં લૂછતી વખતે હોઠ પણ આપોઆપ ઘસાઈને સાફ્ થતા રહે છે. એટલે હોઠ ઉપર જામેલા ડેડ સેલ (મૃત કોષ) આપોઆપ દૂર થતા રહે છે.

જો એમ ન થતું હોય અને હોઠ રૃક્ષ થઈ જતા હોય તો રિફઈન્ડ કર્યા વગરનું કોપરેલ અથવા બદામનું તેલ લઈ તેમાં સાધારણ મીઠું અથવા ખાંડનો ભૂકો ઉમેરીને હળવા હાથે હોઠ ઉપર લગાવો. અડધી મિનિટ આ તેલને હોઠ ઉપર આંગળીનાં ટેરવાંથી નાનાં નાનાં વર્તુળ બનાવીને માલીશ કરતા રહો. છેલ્લે હોઠ કોરા સુતરાઉ કાપડથી લૂછી લો. હોઠ સાવ કોરા કરવાની જરૃર નથી, માત્ર વધારાનું તેલ અને ખાંડ કે મીઠું નીકળી જાય એ રીતે લૂછી લો. પછી સામાન્ય હૂંફળા પાણીથી હોઠ સાફ્ કરી લો. અઠવાડિયામાં બે વખત આ પ્રક્રિયા કરશો તો હોઠની ચામડી સુંવાળી રહેશે અને કલર ખૂલશે. તમારા હોઠ આકર્ષક જ દેખાશે.  

હોઠની ચામડી ખૂબ નાજુક હોવાથી તેને સૂર્યના સીધા તડકાથી બચાવો. હોઠની ચામડી પર સૂર્યનાં કિરણ પડવાં જરૃરી છે. એટલે વહેલી સવારના તડકામાં વીસેક મિનિટ એ રીતે બેસો કે હોઠ ઉપર કુમળો તડકો પડતો રહે. એથી હોઠની ચામડીને વિટામિન ડીની ઉણપ નહીં વર્તાય, ચામડી સ્વસ્થ રહેશે અને તેને તડકાની ગરમીથી કોઈ નુકસાન પણ નહીં થાય. આ નિયમ તો આખા શરીરની ચામડીને લાગુ પડે છે. વહેલી સવારનો તડકો આખા શરીરની ચામડી પર પડી શકે તો ખૂબ જ સારું. રોજેરોજ એ શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત એવું ચોક્કસ કરો.  

ધૂમ્રપાન બધા માટે નુકસાનકારક છે. કેન્સરનું કારક છે. આ વાત ગાઈવગાડીને સરકાર બધાં માધ્યમો થકી વર્ષોથી કહી રહી છે, છતાં સ્ટાઈલ અને શો-ઓફ્ માટે ઘણા લોકો ધૂમ્રપાન કરતા રહે છે. મહિલાઓને ધૂમ્રપાન કરવા લલચાવવા માટે મહિલાઓ માટેની ખાસ લાઈટ સિગારેટ બનાવવામાં અને વેચવામાં આવે છે. કેન્સરની બીક હોય કે ન હોય, તમારે ધૂમ્રપાન બિલકુલ ન કરવું જોઈએ. ધૂમ્રપાન કરવાથી લોહીમાં ભળતું નિકોટીન અને બેેન્જોપાયરીન આ બંને રસાયણો તમારા હોઠની ચામડીમાં મેલેનીન એટલે કે રંગકણો વધારે જામે એવું તિકડમ ચલાવે છે. પરિણામે સ્મોકિંગ કરનારી મહિલાઓના હોઠ કાળા પડી જ જાય છે. તમે લિપસ્ટિકમાં હોઠ ગમે તેટલા છુપાવો એનો કુદરતી રંગ કાળો જ થઈ જવાનો. માટે ધૂમ્રપાનને તો નવ ગજના નમસ્કાર જ કરો.