વડોદરામાં કેજરીવાલે જ્યાં સભા કરી, તે પ્રિત પાર્ટી પ્લોટનું દબાણ હટાવવા પાલિકાની ટીમ પહોંચી

September 24, 2022

વડોદરા  :આગામી આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરતા ભાજપના ગઢના પાયા હચમચી ગયા છે. તા. 20 મી સપ્ટેમ્બરના રોજ વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સભા કરી હતી. તે પ્રિત પાર્ટી પ્લોટનું ગેરકાયદે દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો જે.સી.બી. આગળ બેસી ગયા હતા. બીજી બાજુ પાર્ટી પ્લોટના માલિકે નોટિસ આપી ન હોવાનો પ્રશ્ન ઉઠાવતા પાલિકાએ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પ્રિત પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેના પગલે શહેર ભાજપમાં હડકંપ મચી ગયો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ આપનાર નવનિતભાઇ પટેલના પ્રિત પાર્ટી પ્લોટની દીવાલ ગેરકાયદે હોવાના આક્ષેપ મૂકીને ભાજપ શાસિત પાલિકાની દબાણ શાખાની ટીમ સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દિવાલનું દબાણ દૂર કરવા માટે પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગઇ હતી. આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકરોને થતાં મોટી સંખ્યામાં કાર્યકરો પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. અને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.