કોણ છે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ, જેઓ બની શકે છે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન

August 06, 2024

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર શેખ હસીનાને NSA અજિત ડોભાલ મળ્યા હતા અને હવે એવી ચર્ચા છે કે શેખ હસીના લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. હસીનાએ દેશ છોડતાની સાથે જ બાંગ્લાદેશના આર્મી ચીફે વકાર ઉઝ જમાને કહ્યું કે, 'અમે તમામ પક્ષો સાથે બેઠક કરીને દેશમાં વચગાળાની સરકાર બનાવીશું. અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોને હવે ન્યાય મળશે.' અનામત વિરોધી આંદોલનના કોર્ડિનેટર નાહિદ ઈસ્લામે આજે સવારે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. એવામાં જાણીએ કે કોણ છે મોહમ્મદ યુનુસ. મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. ત્યારબાદ 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. મોહમ્મદ યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેમને શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી.