કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ટ્રમ્પે કેમ કહ્યું કે- આ અમેરિકાનું અપમાન

January 15, 2020

નવી દિલ્હી :  અમેરિકાએ ઈરાનના સૈન્ય કમાંડર કાસિમ સુલેમાનીએને દુનિયાનો નંબર વન આતંકી ગણાવી એર સ્ટ્રાઈક કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. અમેરિકાની આ આકરી કાર્યવાહીથી લાલઘુમ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ન સ્થિતિ ઉભી થઈ છે. તો અમેરિકામાં પણ ટ્રમ્પના આ પગલાની ભારે ટીકા થઈ રહી છે. ટ્રમ્પે તેમની આ ટીકાને અમેરિકાનું અપમાન ગણાવ્યું હ્તું.

3 જાન્યુઆરીએ અમેરિકાએ જનરલ કાસિમ સુલેમાની પર ઈરાકમાં એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં ઈરાનના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. અમેરિકાના આ પગલા બાદ ઈરાને ખુલ્લેઆમ બદલાની જાહેરાત કરી હતી અને અમેરિકાના બે એરબેઝને નિશાન બનાવીને રોકેટ મારો કર્યો હતો.

ઈરાનના આકરા તેવર જોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈરાનને ધમકી આપી હતી, જેને લઈને દુનિયા આખી ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ દરમિયાન અમેરિકામાં વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ પણ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા અને કાસિમ સુલેમાનીના મોત પર સવાલ ઉઠાવ્યા હતાં. ડેમોક્રેટ સાંસદ અને અમેરિકાના હાઉસ સ્પીકર નેંસી પેલોસીએ ટ્રમ્પ પર અમેરિકી સૈનિકો અને નાગરિકોના જીવનને ખતરામાં મુકવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે ટ્રમ્પની તાકાતને પણ મર્યાદિત કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો. તેમણે યૂએસ સંસદને કાસિમ સુલેમાની પર હુમલાની જાણકારી ના આપવાને લઈને ટ્રમ્પને નિશાન બનાવ્યા હતાં.

તમામ ટીકાઓ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જવાબ વાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે કાસિમ સુલેમાનીને ઠાર કર્યો છે, જે દુનિયાનો પહેલા નંબરનો આતંકી હતો. તેને અનેક એમેરિકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં, માટે જ અમે તેને ઠાર કર્યો. આમ કહી ટ્ર્રમ્પે ડેમોક્રેટ્સને જવાબ આપ્યો હતો અને કહ્યું  હતું કે, ડેમોક્રેટ્સ કાસિમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે દેશનું અપમાન છે.