PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી દુવિધામાં!

September 26, 2024

દિલ્હી : દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે. 

દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલે RSS ચીફને સૌથી છેલ્લો સવાલ પીએમ મોદી અંગે પૂછ્યો છે. તેમણે પૂછ્યું કે, તમે બધાએ મળીને કાયદો બનાવ્યો કે 75 વર્ષની ઉંમર બાદ ભાજપના નેતા નિવૃત થઈ જશે. આ કાયદાનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. આ જ કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ ભાજપના નેતાઓને નિવૃત પણ કરી દેવામાં આવ્યા. તો પીએમ મોદી નિવૃત થશે કે પછી તેમના માટે કાયદો બદલાઈ જશે?

પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કેટલાક અન્ય નેતાઓના ઉદાહરણ આપતા RSSને પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આ કાયદા હેઠળ અન્ય ઘણા નેતાઓને નિવૃત કરવામાં આવ્યા જેમ કે, શાંતા કુમાર, સુમિત્રા મહાજન વગેરે. હવે ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે આ કાયદો PM મોદી પર લાગુ નહીં થશે. શું તમે આ બાબત સાથે સહમત છો કે જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કરવામાં આવ્યા, તે કાયદો હવે પીએમ મોદી પર લાગુ નહીં થશે. શું બધા માટે કાયદા સમાન ન હોવા જોઈએ?

અરવિંદ કેજરીવાલ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓ લાંબા સમયથી કેન્દ્રની મોદી સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. કેજરીવાલે પોતાના લેટર દ્વારા RSS ચીફને પૂછ્યું કે દેશભરમાં અલગ-અલગ પ્રકારની લાલચ આપીને અથવા તો પછી ED-CBIની ધમકી આપીને  બીજી પાર્ટીના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. શું તમને આ મંજૂર છે? આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે રવિવારે જનતાની અદાલતને સંબોધિત કરતા RSS ચીફને આ જ સવાલ પૂછ્યો હતો.