નવા વર્ષમાં વિલિયમ્સનના નવા રેકોર્ડ, ૨૦૨૧ની પ્રથમ બેવડી સદી ફટકારી

January 06, 2021

ક્રાઇસ્ટ ચર્ચઃ ન્યૂઝીલેન્ડના સુકાની કેન વિલિયમ્સને નવા વર્ષની સાથે નવા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા હતા. તે ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટેસ્ટ સાત હજાર ટેસ્ટ રન નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. પાકિસ્તાન સામે રમાતી બીજી ટેસ્ટમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. વિલિયમ્સને બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૨૩૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી અને આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોેથી બેવડી સદી છે. ક્રિકેટમાં ૨૦૨૧ની આ પ્રથમ બેવડી સદી પણ નોંધાઇ છે. ફાસ્ટેસ્ટ સાત હજાર રન પૂરા કરવાના મામલે રોઝ ટેલર બીજા ક્રમે છે. જેણે ૯૬ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જોકે કેન વિલિયમ્સને ટેલર કરતાં ૧૩ મેચ ઓછી રમીને ૮૪મી ટેસ્ટમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. વિલિયમ્સને બેવડી સદી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં સાત હજાર રન પણ પૂરા કર્યા હતા. તેણે ૧૨૩મો રન પૂરો કરતાની સાથે સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ટેસ્ટમાં ૨૪ સદી ફટકારી છે. શાનદાર ફોર્મમાં રહેલો વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ તરફથી સર્વાધિક ટેસ્ટ રનના મામલે ભૂતપૂર્વ સુકાની સ્ટિફન ફ્લેમિંગ તથા રોઝ ટેલર કરતાં પાછળ છે. તેણે અત્યાર સુધીમાં ૮૩ ટેસ્ટમાં ૭૧૧૫ રન બનાવ્યા છે. ફ્લેમિંગે ૧૧૧ ટેસ્ટમાં ૭૧૭૨ તથા ટેલરે ૧૦૫ મેચમાં ૭૩૭૯ રન બનાવ્યા હતા. વિલિયમ્સને ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સર્વાધિક બેવડી સદી નોંધાવવાનો બ્રેન્ડન મેક્કુલમને રેકોર્ડ પણ સરભર કર્યો હતો. કારકિર્દીમાં ચોથી બેવડી સદી નોંધાવવાની સાથે વિલિયમ્સને ટેસ્ટ ક્રિકેટમાં ચાર-ચાર બેવડી સદી ફટકારી ચૂકેલા વિશ્વના નવ બેટ્સમેનોની ઇલિટ ક્લબમાં સ્થાન મેળવી લીધું હતું. આ ખેલાડીઓમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, બ્રેન્ડન મેક્કુલમ, ઝહિર અબ્બાસ, માઇકલ ક્લાર્ક, હશિમ અમલા, ગ્રેગ ચેપલ, મોહમ્મદ યુસુફ, ગોર્ડન ગ્રીનીજ તથા લેન હટનનો સમાવેશ થાય છે.