ન્યૂ ઝીલેન્ડમાં 24 વર્ષ પછી કોઈ એક પક્ષને બહુમત, જેસિંડા સતત બીજી વખત વડાપ્રધાન બનશે

October 17, 2020

ન્યૂ ઝીલેન્ડમાં 24 વર્ષ બાદ કોઈ એક પક્ષને જ ચોખી બહુમતી મળી છે. વડાપ્રધાન જેસિંડા આર્ડર્નની લેબર પાર્ટીએ ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. શનિવારે મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયાની ફ્ક્ત 90 મિનિટ બાદ જ મતગણતરી હાથ ધરાઇ હતી. અર્લી વોટિંગની સુવિધાના કારણે 19 લાખ મતદારોએ પહેલેથી જ મતદાન કરી દીધું હતું. આ કુલ મતદારોના 57% છે. કુલ રજિસ્ટર્ડ મતદારોની સંખ્યા લગભગ 30 લાખ 77 હજાર છે.

ન્યૂ ઝીલેન્ડના મીડિયા રિપોર્ટ મુજબ, લેબર પાર્ટીને 48.9% મત અને કુલ 64 સીટ મળી છે. 120 બેઠકની સંસદમાં બહુમતનો આંકડો 61 છે. જ્યુડિથ કોલિન્સની નેશનલ પાર્ટીને 27% મત અને કુલ 35 બેઠક મળી હતી. એસીટી ન્યૂ ઝીલેન્ડ પાર્ટીને 10 સીટ મળી હતી. સત્તાવાર પરિણામની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

શું કહ્યું આર્ડર્ને
જીત મેળવ્યા પછી આર્ડર્ને કહ્યું હતું કે- આજે જે પરિણામો આવ્યાં છે એનાથી હું ખૂબ જ ખુશ છું. જોકે મને તેનાથી વધુ કંઇ આશ્ચર્ય થયું નથી, કારણ કે મને આ પરિણામની અપેક્ષા હતી જ. હું જાણું છું કે મારી પાર્ટીના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે. અમે અમારું કામ ચાલુ રાખીશું. મારી પુત્રી બે વર્ષની છે અને તે અત્યારે સૂઈ રહી છે. હું મારી ટીમમાં ફેરફાર નહીં કરું.