કરફ્યુના અમલથી અમદાવાદ શહેર બન્યુ સુમસામ

November 21, 2020

અમદાવાદ : અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ ગઈકાલે રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સૂમસામ બની છે. કરફ્યૂને પગલે જમાલપુર બ્રિજની નીચેનો વિસ્તાર સૂમસામ બન્યો છે. કરફ્યૂના એલાનને પગલે કાલે શહેરીજનો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે આ જમાલપુર બ્રિજ પણ સૂમસામ બન્યો છે. 

રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા છે.તો આજે કરફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું જમાલપુર ફૂલ બજાર સંપૂર્ણ બંધ છે.  જોકે કેટલાક છૂટક ફુલના વેપારીઓ નજરે પડ્યા. ગઈકાલે વેચાણ માટે ફૂલ ખરીદી કરી ચૂકેલા વેપારીઓ વેચાણ માટે વહેલી સવારે ફૂલ બજારમાં પહોંચ્યા હતા. તો પોલીસ દ્વારા તમામને ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની દબાણની ગાડી પર જમાલપુર ફૂલ બજાર પર આવી પહોંચી હતી. 

અમદાવાદમાં 57 કલાકના વિકેન્ડ કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. આવામાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કરફ્યૂના કારણે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના તમામ મંદિરો સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભદ્રકાળી મંદિર પાસે આવેલું ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે.